જૂનાગઢના માંગરોળમાં મધદરિયે ૮ ખલાસીઓ ભરેલી બોટ પલટી, એકનું મોત, ૪ લાપત્તા

ગત મોડી રાત્રીથી જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નદી નાળાથી દૂર રહેવા તંત્ર દ્વારા લોકોને અપિલ કરવામાં આવી રહી છે. આ સાથે તંત્ર દ્વારા માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જે અનુસંધાને એક બોટ દરિયા ખાતે પરત ફરતી વખતે તેનો એન્જિન બંધ થઈ જતા દરિયામાં પલટી ગઈ હોવાનું સામે આવ્યું છે.

માહિતી અનુસાર, માંગરોળ દરિયામાં દરિયો ખેડવા ગયેલા માછીમારો પરત ફરી રહ્યા હતા. તે સમયે દરિયો તુફાની બન્યો હતો. એવામાં જય ચામુંડા નામની બોટનું એન્જિન બંધ થઈ જતા દરિયામાં ઉભી રહેલી બોટ એકાએક પલટી ગઈ હતી. જે સમયે આ ઘટના ઘટી તે સમયે કૂલ ૮ જેટલા ખલાસીઓ બોટમાં સવાર હતા.બોટમાં સવાર ૮ ખલાસીઓ પૈકી કૂલ ૩ લોકોનો આ ઘટનામાં બચાવ થયો છે. જ્યારે ૪ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું પણ સામે આવ્યું છે. મૃતક માછીમાર વલસાડ જિલ્લાનું રાજુ અર્જન ગોરી નામ હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર બનાવને લઈને વહીવટી તંત્ર અને ડેપ્યુટી કલેકટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગુમ થયેલા ૪ લોકોને શોધવા માટે એનડીઆરએફની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ કામે લગાડવામાં આવી છે. ઈજાગ્રસ્ત ખલાસીઓ મહારાષ્ટ્ર અને વલસાડના હોવાનું સામે આવ્યું છે.

મહત્વનું છે કે,હાલ સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાનની આગાહી અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ગુજરાત સહિત જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢની વાત કરીએ તો, અહીં સરેરાશ ૩થી ૪ ઇંચ જેટલો દરેક તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેથી જૂનાગઢના એસડીએમ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી રહી છે. કારણ કે, આવી પરિસ્થિતિમાં દરિયો ખેડવો હિતાવહ નથી અને અમુક પરિસ્થિતિ ગંભીર પણ બની શકે છે.