કાલોલ સહિત જિલ્લામાં વરસી રહેલા અવિરત વરસાદને કારણે નગરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ઈન્દિરા વસાહતમાં વરસાદી પાણી ભરાવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વસાહતના લોકોના અનાજ-પાણીને નુકસાન થયુ છે. ઈન્દિરા નગર તળાવ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી ચાલી રહી છે. પરંતુ તેનો કાયમી કોઈ ઈલાજ કરાતુ નથી. લોકોના ધરોમાં પાણી ભરાતા વસાહતના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ધીરે ધીરે ઈન્દિરા નગર વસાહતના લોકો ધરો બહાર નીકળી રહ્યા હતા. ત્યારે રહિશોએ આક્ષેપ કરતા કહ્યુ હતુ કે, કરોડો રૂપિયા તળાવના બ્યુટિફિકેશન કરવા માટે વાપરવામાં આવે છે જો થોડા રૂપિયા વસાહતમાંથી વરસાદી પાણીના નિકાલ માટે વાપરવામાં આવે તો વસાહતના રહિશોને રાહત થાય તેમ છે. દર ચોમાસામાં વરસતા વરસાદમાં પોતાના ધર બાર છોડી બહાર નીકળવુ પડે છે. આ બાબતે નગરપાલિકા સહિત તંત્ર દ્વારા કાયમી કોઈ ઉકેલ કરાય તેવી વસાહતના લોકોની માંગ ઉઠવા પામી છે.