મહિસાગર જિલ્લામાં છેલ્લા 48 કલાકથી મુશળધાર વરસાદથી રસ્તાઓ ઉપર વૃક્ષો ધરાશાઈ થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. તો કયાંક વૃક્ષો ધરાશાઈ થતાં વીજ પુરવઠો કલાકો સુધી બંધ થયો હતો. ત્યારે તંત્ર દ્વારા માત્ર દેખાવો કરી કલાકો સુધી લોકોને અંધારામાં રાખીને પોતે ઓફિસોમાં બેસીને માત્ર હૈયા ધારણાઓ આપવામાં આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
જિલ્લાના કડાણા તાલુકામાં રવિવારની રાતથી અંધારપાટ છવાયો હતો. જે મંગળવારે ચાલુ થયો હતો. ત્યારે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઈ થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. ત્યારે જિલ્લા તંત્ર પ્રજાને પડતી મુશ્કેલીઓ દુર કરવામાં નિષ્ફળ દેખાયુ છે. કડાણા તાલુકામાં રવિવારે પડેલ વરસાદ બાદ સળિયા મુવાડી એકલવ્ય શાળામાં ધુટણસમા પાણી ભરાયા હતા. ત્યારે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરાઈ ન હતી. એવામાં સંતરાપુરમાં ધારાસભ્ય અને રાજયના શિક્ષણ મંત્રી કુબેરભાઈ આ જગ્યાએ પહોંચી શાળામાં ભરાયેલ પાણીનો નિકાલ કરવા તાત્કાલિક આગળ આવ્યા હતા.
ત્યારે સંતરામપુર તાલુકાના કણજરા ગામે રસ્તા ઉપર વૃક્ષ પડતાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો હતો. ત્યારે મંત્રી પોતે આ સમયે આ વિસ્તારમાં પહોંચી હાથમાં કુહાડી લઈ વૃક્ષ કાપવા લાગ્યા હતા. તંત્રને જાણ કરી રસ્તો ખુલ્લો કરી વીજ પુરવઠો પણ ચાલુ કરવામાં આવ્યો હતો. ત્યારે આવી સ્થિતિમાં રાજયના મંત્રીએ પોતે રસ્તા ઉપર કુહાડી લઈ ઝાડવા કાપવા માટે નીકળતા મહિસાગરના તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠયા હતા.