લીમખેડા તાલુકામાં 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા હડફ નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. તે દરમિયાન લીમખેડા તાલુકાના પાંડોળા ગામના 38 વર્ષિય યુવક રૂપસિંગ મગનભાઈ નિનામા હડફ નદી કિનારે પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે આકસ્મિક રીતે નદી કિનારે પગ લપસી જતાં હડફ નદીના ધસમસતા પ્રવાહમાં પડી જતા તણાઈ ગયા હતા. ધટનાની જાણ થતાં તાત્કાલિક લીમખેડા પ્રાંત અધિકારી ભવ્ય નિનામા, મામલતદાર નિસર્ગ દેસાઈ, પોલીસ ઈન્સ્પેકટર જે.એમ.ખાંટ, તલાટી કમ મંત્રી પ્રભાત પટેલ સહિતના અધિકારી સ્ટાફના માણસો સાથે ધટના સ્થળે દોડી જઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
હડફ નદીમાં તણાયેલા યુવકની શોધખોળ માટે દે.બારીઆ ફાયરની ટીમની મદદ લેવામાં આવી હતી. પરંતુ હડફ નદીમાં ભારે પુરની સ્થિતિ હોવાના કારણે યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બીજા દિવસે સવારે હડફ નદીમાં તણાયેલા રૂપસિંગ મગનભાઈ નિનામાનો મૃતદેહ કુણધા તથા નિનામાના ખાખરીયા ગામની સીમમાં બાવળની ઝાડીમાં ફસાયેલો મળી આવ્યો હતો. બનાવ અંગે મૃતકની પત્નિ ગીતાબેન નિનામાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.