ગોધરા મઘ્યમાં રામસાગર, સીતાસાગર ઓવરફલો થતાં શહેરા ભાગોળ વિસ્તારમાં ધુંટણ સમા પાણી ભરાયા

  • શહેરા ભાગોળની અનેક દુકાનોમાં પાણી ભરાયા
  • શહેરા ભાગોળ વિસ્તારમાં તળાવના પાણી ઓવરફલોથી પુર જેવી સ્થિતિ

ગોધરા શહેરમાં આવેલ રામસાગર તળાવ, સીતાસાગર, લક્ષ્મણ સાગર તળાવનુ પાણી ઓવરફલો થતાં પાણી શહેરા ભાગોળ વિસ્તારમાં ફરી વળતા પુર જેવી સ્થિતિનુ નિર્માણ થવા પામ્યુ છે.

પંચમહાલ જિલ્લામાં વરસેલ ભારે વરસાદના કારણે નદી-નાળા તળાવો ઓવરફલો થયા છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગામી કરવામાં આવી છે ત્યારે ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો ગોધરામાં ખરીદી માટે નીકળ્યા હતા ત્યારે ગોધરાની મઘ્યમાં આવેલ રામસાગર તળાવ, સીતાસાગર અને લક્ષ્મણ નગર તળાવ ઓવરફલો થતાં પાણી શહેરા ભાગોળ વિસ્તારના માર્ગો ઉપર ફરી વળતા આ વિસ્તારમાં પુર જેવી સ્થિતિ નિર્માણ થવા પામી હતી. શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં તળાવના પાણી ઓરફલો થતાં રોડ ઉપર પાણી આવી જતાં ખરીદી માટે નીકળેલ લોકોને સામાન માથે મુકીને નીકળતા જોવા મળ્યા હતા.

ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં તળાવો ઓવરફલો થતાં પાણી આખા શહેરા ભાગોળ વિસ્તારમાં ધુંટણ સમા ભરાઈ જવાને લઈ લોકોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. શહેરા ભાગોળ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા માટે આવતા વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી. પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા આવેલ ગાડી રસ્તામાં ફસાઈ ગઈ હતી જેને લઈ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

શહેરા ભાગોળ વિસ્તારમાં તળાવનુ પાણી ઓવરફલો થવાને લઈ અનેક દુકાનોમાં પાણી ભરાઈ જતાં દુકાનદારોના સરસામાનને નુકસાન થયુ હતુ. એક તરફ શહેરા ભાગોળ ખાતે રેલ્વે અંડરબ્રિજની કામગીરી ચાલી રહી છે જેને લઈ પાણીનો નિકાલ થઈ રહ્યો નથી. જેને લઈ શહેરા ભાગોળ વિસ્તારમાં પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ છે ત્યારે પાણીના યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.