રાજસ્થાનના જોધપુર શહેરમાં પણ ગેંગ રેપનો મામલો સામે આવ્યો છે. અહીં સ્થિત મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સગીરા પર બળાત્કારની શરમજનક ઘટના સામે આવી છે. તમને જણાવી દઈએ કે શહેરમાં છેલ્લા ૨૦ દિવસમાં સગીર છોકરીઓ સાથે બળાત્કારની આ પાંચમી ઘટના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સગીર સાથે ગેંગરેપ કરનાર આરોપીઓ તે જ હોસ્પિટલના સફાઈ કામદારો હતા. બદમાશોએ હોસ્પિટલની અંદર જ બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો.
હકીક્તમાં, જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલના કોટેજ વોર્ડ પાસે ૨૫મીએ રાત્રે બે બદમાશોએ ૧૪ વર્ષની સગીર સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો. કેસની માહિતી આપતા જોધપુર પોલીસ કમિશનરેટ વેસ્ટના એસીપી અનિલ કુમારે જણાવ્યું કે સગીર અંગે સુરસાગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
યુવતી તેના માતા-પિતાથી નારાજ થઈને ઘરેથી નીકળી ગઈ હતી. ૨૫મીએ રાત્રે મહાત્મા ગાંધી હોસ્પિટલના સફાઈ કર્મચારીઓએ સગીરાને હોસ્પિટલ પરિસરના નિર્જન વિસ્તારમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તેમણે કહ્યું કે, આ મામલાની તપાસ માટે એફએસએલ ટીમને બોલાવવામાં આવી છે. આ સિવાય પીડિતાના નિવેદન લેવામાં આવ્યા છે. તપાસ માટે ટીમો બનાવવામાં આવી છે. પોલીસનો દાવો છે કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
મહાત્મા ગાંધી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ફતેહ સિંહ ભાટીએ કહ્યું કે અમને માહિતી મળી છે કે અમારી હોસ્પિટલ પરિસરમાં આવી ઘટના બની છે, જે ખૂબ જ શરમજનક છે. હોસ્પિટલમાં સુરક્ષા ગાર્ડ હાજર છે. સુરક્ષાને યાનમાં રાખીને અમે સિક્યોરિટી ગાર્ડની સંખ્યામાં વધુ વધારો કરીશું. તેમણે કહ્યું કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે પીડિતા કોણ છે અને કોણ આરોપી છે.