અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન બિડેને યુક્રેન માટે શાંતિ અને માનવતાવાદી સહાયના સંદેશ માટે પીએમ મોદીની પ્રશંસા કરી હતી. વાસ્તવમાં પીએમ મોદીએ ૨૩ ઓગસ્ટે કિવની મુલાકાત લીધી હતી. આ પહેલા પીએમ મોદી રશિયાની મુલાકાતે ગયા હતા. અમેરિકા અને પશ્ર્ચિમી દેશો આને લઈને ગુસ્સે થયા હતા. આવી સ્થિતિમાં અમેરિકા પીએમ મોદીની યુક્રેન મુલાકાતને પસંદ કરી રહ્યું છે. યુક્રેનની સાત કલાકની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને કહ્યું હતું કે યુક્રેન અને રશિયાએ યુદ્ધ ખતમ કરવા માટે સાથે બેસી જવું જોઈએ. ભારત શાંતિ પુન:સ્થાપિત કરવામાં સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.
આ અંગે બિડેને કહ્યું કે મેં વડાપ્રધાન મોદી સાથે તેમની તાજેતરની પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત અંગે ચર્ચા કરવા માટે વાત કરી હતી અને યુક્રેન માટે તેમના શાંતિ અને માનવતાવાદી સહાયના સંદેશ માટે તેમની પ્રશંસા કરી હતી. અમે ઈન્ડો-પેસિફિકમાં શાંતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપવા માટે સાથે મળીને કામ કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો. પીએમ મોદીની રશિયા, પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત અને બાંગ્લાદેશની તાજેતરની ઘટનાઓ બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ ’એકસ’ પર લખ્યું, ’આજે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ફોન પર વાત કરી. અમે યુક્રેનની સ્થિતિ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્ર્વિક મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરી. મેં શાંતિ અને સ્થિરતાની વહેલી પુન:સ્થાપના માટે ભારતના સંપૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો.