આઇએસઆઇએસ પ્રેરિત કે સરહદ પારનો આતંકવાદ માનવ જીવન માટે ખતરારૂપ: અજીત ડોભાલ

  • ધર્મના આધારે આતંકને યોગ્ય ગણાવનારાઓને ક્યારેય માફ કરવા જોઈએ નહી.

નવીદિલ્હી,

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે, ઉલેમાઓના એક કાર્યક્રમમાં કહ્યુ ક આઇએસઆઇએસ કે સરહદ પારનો આતંકવાદ માનવ જીવન માટે ખતરારૂપ છે. આતંકવાદને આડા હાથે લેતા તેમણે કહ્યું કે, ધર્મના વાસ્તવિક સંદેશને પ્રસરાવવા ઉપર ભાર આપવો જોઈએ. ધર્મના આધારે આતંકને યોગ્ય ગણાવનારાઓને ક્યારેય માફ કરવા જોઈએ નહી.

ભારત અને ઈન્ડોનેશિયામાં આંતર-ધામક શાંતિ અને સામાજિક સમરસતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ઉલેમાની ભૂમિકા પર રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં એક કોન્ફરન્સને સંબોધતા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારઅજીત ડોભાલે કહ્યું કે, જેમ તમે બધા જાણો છો તેમ, ભારત અને ઈન્ડોનેશિયા બન્ને આતંકવાદ અને અલગતાવાદનો શિકાર છે. સરહદ પાર અને આઇએસઆઇએસ પ્રેરિત આતંકવાદની ઘટના માનવ જીવન માટે મોટો ખતરો છે. ’આઇએસઆઇએસ દ્વારા પ્રેરિત વ્યક્તિગત આતંકવાદી જૂથો અને સીરિયા અને અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી પાછા ફરતા લોકોના જોખમનો સામનો કરવા માટે નાગરિક તેમજ સમાજનો સહકાર અત્યંત જરૂરી છે.’

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે અજીત ડોભાલે કહ્યું કે આજની ચર્ચાનો હેતુ ભારતીય અને ઈન્ડોનેશિયાના ઉલેમા અને વિદ્વાનોને એક્સાથે લાવવાનો છે. જે સહિષ્ણુતા, સંવાદિતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવા માટે સહકારને આગળ વધારી શકે છે.આઇએસઆઇએસ ડોભાલે કહ્યું, ’હિંસક ત્રાસવાદ, આતંકવાદ અને કટ્ટરપંથી વિરુદ્ધની લડાઈને મજબૂત બનાવશે.’ તેમણે કહ્યું, ’ કોઈ પણ યેય પ્રાપ્ત કરવા માટે ધર્મના આધારે ઉગ્રવાદ, કટ્ટરતા ફેલાવવાને કદાપી યોગ્ય અને ન્યાયી ઠેરવી શકાય નહી. ધર્મના આધારે આતંક ફેલાવવો તે વિકૃતિ છે. આવી પ્રવૃતિ સામે અવાજ ઉઠાવવો જરૂરી બની જાય છે. ઇસ્લામના અર્થની વિરુદ્ધ ઉગ્રવાદ અને આતંકવાદ છે. પણ કેટલાક લોકો તેને ઓથ બનાવી રહ્યાં છે. વાસ્તવમાં ઇસ્લામનો અર્થ થાય છે શાંતિ, સલામતી અને લોકોનું કલ્યાણ. ધર્મ આધારિત આતંક ફેલાવનારા સામે લેવાતા પગલાઓને કોઈ ધર્મ સામે કાર્યવાહી તરીકે ના જોવી જોઈએ તેમ પણ તેમણે જણાવ્યું હતું.

અજીત ડોભાલે કહ્યું કે, વિવિધ ધર્મમાં આપેયાલ માનવતા, શાંતિ, સલામતી અને લોક કલ્યાણના સંદેશને પ્રસરાવવા ઉપર યાન કેન્દ્રીત કરવું જોઈએ. પવિત્ર ધર્મગ્રંથ કુરાન શિખવે છે કે, એક માનવીનો જીવ બચાવવો એ માનવતા બચાવવા સમાન છે. જેહાદનો અર્થ થાય છે પોતાના અભિમાન અને અહંકાર સામે જેહાદ કરવી, કોઈ નિર્દોષ નાગરિકો સામે નહી.

અજીત ડોભાલના આમંત્રણને લઈને ઈન્ડોનેશિયાના રાજકીય, કાનૂની અને સુરક્ષા બાબતોના સંકલન મંત્રી મોહમ્મદ મહફુદ, ઉલેમાઓના ઉચ્ચસ્ચરીય પ્રતિનિધિમંડળ સાથે આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દિલ્લી આવ્યા છે. અજીત ડોભાલ, ગત માર્ચ મહિનામાં ઈન્ડોનેશિયા ગયા હતા. તે સમયે તેમણે ઈન્ડોનેશિયાના રાજકીય, કાનૂની અને સુરક્ષા બાબતોના સંકલન મંત્રી મોહમ્મદ મહફુદને ભારત આવવા આમંત્રણ પાઠવ્યું હતું.