રાજકોટમાં મનમૂકીને વરસતા મેઘરાજા, આજી ડેમ છલકાવવાની તૈયારીમાં

રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે મેઘરાજા વરસી રહ્યા છે. આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. ગઈકાલે ૨૪ કલાકમાં કુલ ૭ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે સિઝનનો કુલ વરસાદ ૨૪ ઈંચ નોંધાયો છે.

સવારથી ધોધમાર વરસાદ વરસતા રાજકોટ શહેરનું વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. જન્માષ્ટમીના તહેવારની સાથે લોકો વરસાદની મજા માણી રહ્યા છે. જો કે આ વખતે લોકો લોકમેળાની મજા માણી શકશે નહીં. સતત બે દિવસના વરસાદને કારણે જિલ્લાના ૨૭માંથી ૧૧ જળાશયોમાં ૦.૧૬ થી ૪.૯૨ ફૂટ નવા પાણીની આવક થઈ છે.

રાજકોટનું આજીડેમ આજે રાત્રે અથવા વહેલી સવારે ઓવરલો થવાની શક્યતા છે. રાજકોટના જીવદોરી ડેમ સમાન આજી-૧ ડેમની સપાટી ગઈકાલે ૨૧.૭૦ ફૂટ હતી. જે આજે બપોરે ૩ કલાકે વધીને ૨૫ ફૂટ થઈ ગયો છે. આમ એક જ દિવસમાં સપાટીમાં ૩.૩૦ ફૂટનો વધારો થયો છે. ડેમ ૨૯ ફૂટે વહી રહ્યો છે અને આજે મોડી રાત્રે અથવા આવતીકાલે સવારે ઓવરલો થવાની શક્યતા છે. તેમજ આજે બપોરે ૩ વાગ્યે ન્યારી-૧ ડેમની સપાટી ૧.૬૪ ફૂટ વધીને ૧૪.૯૨ ફૂટ થઈ છે.

રાજકોટમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યરત છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ વહીવટી તંત્રના સર્વે અધિકારીઓ સાથે વાતચીત કરી સમગ્ર રાજકોટ જિલ્લાની વરસાદની સ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. જિલ્લામાં ભારે વરસાદને પગલે કલેકટરના માર્ગદર્શન હેઠળ દરેક તાલુકા માટે એક સંપર્ક અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. જે મુજબ દરેક તાલુકા લાયઝન ઓફિસર તેમને ફાળવવામાં આવેલ તાલુકાઓમાં ભારે વરસાદની પરિસ્થિતિ મુજબ મીટીંગ કરી જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે.

ઇમરજન્સીને પહોંચી વળવા માટે દરેક તાલુકામાં મેડિકલ ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તેમજ તાલુકાઓમાંથી નુક્સાનીના અહેવાલો મંગાવવામાં આવી રહ્યા છે જેથી ભારે વરસાદના કારણે થયેલા નુક્સાન અંગે તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. આમ, રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની ડિઝાસ્ટર ટીમ નાગરિકોની સલામતીને પ્રાથમિક્તા આપીને ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સાવચેતી સાથે કામ કરી રહી છે.