દ્વારકા, ડાકોર સહિત કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી કરાઇ

દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સવારથી જ કૃષ્ણ મંદિરોમાં લાખો ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે આ વખતે જન્માષ્ટમીએ ગુજરાતના દ્વારકા, શામળાજી અને ડાકોર સહિતના મંદિરોમાં સવારથી જ ભકતોની ભીડ જામી હતી બરાબર રાત્રીના ૧૨ ના ટકોરે શંખનાદ, ઝાલરનાદ, ઘંટનાદ વચ્ચે આતશબાજીની જમાવટ સાથે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકીના ગગનભેદી જયઘોષ સાથે કૃષ્ણ જન્મોત્સવના હરખભેર વધામણા કરાવવામાં આવ્યા હતા.

આ સાથે જ દ્વારકા, શામળાજી,ડાકોર, સહિત રાજ્યભરના મંદિરો કૃષ્ણમય બની ગયા હતા. રાત્રે કર્ણપ્રિય મટકીગીતોના ગાન સાથે કૃષ્ણભક્તિના ગીતોની રમઝટ બોલાવાવવામાં આવી હતી.સોમવારે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે રાજ્યભરના મંદિરો અને સોસાયટી અને ઘરોમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરો, સોસાયટી અને ઘરમાં સજાવટ સાથે ભક્તિમય બન્યા હતા અને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

દ્વારકામાં કૃષ્ણ ભક્તોમાં અનેરા થનગનાટ જોવા મળ્યો હતો ભગવાન શ્રીકૃષ્ણના ૫૨૫૧મો જન્મોત્સવને લઈને દ્વારાકાના મંદિરમાં ઉજવણી કરવામાં આવી હતી ભગવાનને ખાસ ફૂલોથી શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.વરસાદી માહોલની વચ્ચે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

ગીર સોમનાથના અતિ પૌરાણિક શ્યામ ભગવાનના તુલસીશ્યામ મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી છે, લોકો દૂર દૂરથી આ ઉત્સવ મનાવવામાં આવ્યા હતાં વરસાદની સિઝન હોવાના કારણે લોકો ઓછા આવી રહ્યા છે. પરંતુ આ ઉત્સવ મનાવવા માટે અનેક શ્રદ્ધાળુઓ તુલસીશ્યામ પહોંચ્યા હતાં, કૃષ્ણ જન્મ અને મટકી ફોડનો ઉત્સવ આસ્થાભેર ઉજવવામાં આવ્યો છે. પૂજારી સહિત શ્રદ્ધાળુઓએ પોતાની પ્રતિક્રિયાઓ આપતા જણાવ્યું કે આ આસ્થાનું પ્રતીક છે, અમે દર વર્ષે અહીંયા કૃષ્ણ જન્મોત્સવ મનાવવા માટે આવીએ છીએ અને લોકોની ભીડ ખૂબ જ જોવા મળતી હોય છે.

ડાકોર ખાતે રાજાધિરાજના વહેલી સવારે ૪:૪૫ કલાકે દર્શન ખુલ્લા કરતાની સાથએ શ્રદ્ધાળુ દ્વારા ’જય રણછોડ માખણ ચોર’ના નારા બોલાવતા આખું મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. બીજી તરફ, રાજ્યભરમાં ભારે વરસાદ વચ્ચે શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે દર્શનાર્થીઓની ભીડ ઉમટી હતી. આ દરમિયાન ડાકોરના ગોટા ખાવા લોકોની પડાપડી જોવા મળી હતી.

આ ઉપરાંત, શ્રદ્ધાળુઓ ગોમતી ઘાટની મજા માણી હતીશ્રીકૃષ્ણ જન્મોત્સવ દરમિયાન શામળાજી ખાતે ભગવાનને શંખ, ચક્ર, ગદા, પદ્મથી, સોના વેશ સહિત સોનાની વનમાલા પહેરાવીને શણગારવામાં આવ્યો હતો. જેમાં હીરાજડિત મુગટના અનોખા શણગારની સાથે ખાસ કારીગરો દ્વારા વાઘાનો શણગાર બનાવવામાં આવ્યો છે. બીજી તરફ, શામળાજીમાં યુવક મંડળ દ્વારા મંદિર પરિસરમાં મટકી ફોડ કાર્યક્રમ પછી ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. જ્યારે શામળાજીમાં ભગવાન શામળિયાની શોભાયાત્રા નીકળી આવી હતી.