ભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યભરમાં એસટી બસના ૪૩૩ રૂટ બંધ

રાજ્યમાં શ્રાવણમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે અનેક જિલ્લાઓને મેઘરાજાએ ઘમરોળી નાખ્યા છે. ભારે વરસાદથી નદી-નાળા છલકાયા છે. મુશળધાર વરસાદથી રાજ્યના અનેક રસ્તાઓ બંધ થયા છે, તો સેંકડો ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. જોકે આ તો માત્ર ટ્રેલર છે. પિક્ચર તો હજુ બાકી છે. કારણકે, રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, ૨૬ ઓગસ્ટ રાજ્યમાં ભારે વરસાદને લઈને એસ ટી વ્યવહાર પ્રભાવિત થયો છે.

રાજ્યભરમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. એસ.ટી બસ પરિવહનને વરસાદની ભારે અસર થઈ છે. વરસાદને લઈ રાજ્યભરના ૪૩૩ રૂટ બંધ થયા છે જ્યારે છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ અને ખેડાનાં રૂટ પર અસર થઈ છે. રાજ્યમાં ૪૩૩ રૂટ બંધ કરતા ૨૦૮૧ ટ્રીપ કેન્સલ થઈ છે. ૧૪૫૧૨ રૂટ પૈકી ૪૩૩ રૂટ બંધ છે તેમજ ૪૦૫૧૫ ટ્રીપ પૈકી ૨૦૮૧ ટ્રીપ બંધ થઈ છે.

રાજકોટમાં મહિલા કોલેજ અંડરપાસ પાસે પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે અડંર પાસમાં પાણી ભરાતા રસ્તા બંધ કરાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટમાં ૯ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે રસ્તો બંધ થતા લોકોને હાલાકી ભોગવી રહ્યાં છે