અમદાવાદમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, પોશ ગણાતા જોધપુર, પ્રેરણાતીર્થ દેરાસર રોડે જળસમાધિ લીધી

સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર અમદાવાદમાં ભારે જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. શહેરના તમામ વિસ્તારો પર પાણી ભરાયા છે. શહેરના પોશ ગણાતા જોધપુર વિસ્તારમાં પ્રેરણાતીર્થ રોડ પર પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે અને લોકો ઘરોમાં ભરાઈ રહેવા માટે મજબુર બન્યા છે કારણે શહેરના માર્ગોએ જળસમાધિ લઈ લીધી છે.

પ્રેરણાતીર્થ દેરાસર નજીક આવેલા અશોક નગર સોસાયટીમાં પાણીમાં ગરકાવ થઈ છે. ભારે વરસાદને કારણે પાણી ભરાયા હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે. કામ સિવાય લોકો બહાર નીકળી શક્તા નથી. પુષ્કળ પાણી ભરાઈ જવાને કારણે અનેક લોકોના ટુવ્હીલર વાહનો બંધ પડી રહ્યા છે અને લોકોને દોરીને લઈ જવાની ફરજ પડી છે.

પાણીને કારણે ભારે ટ્રાફિક જામની પણ સ્થિતિ જોવા મળી રહી છે. કોર્પોરેશન દ્વારા પણ પાણીના નિકાલની કોઈ કામગીરી કરાઈ નથી, સ્થાનિકો જાતે જ સોસાયટીમાંથી પાણી બહાર કાઢવાના પ્રયાસ હાથ ધરાયા છે. હાલ જે પ્રકારે પાણીનો ભરાવો થયો છે તે અત્યંત ચિંતાજનક છે, સતત વરસી રહેલા વરસાદને કારણે સતત પાણીનો ભરાવો થઈ રહ્યો છે અને સ્થિતિ બદ થી બદ્દતર થઈ રહી છે. હાલ આફતનો વરસાદ વરસી રહ્યો છે અને માર્ગો બેટમાં ફેરવાઈ ગયા છે ત્યારે લોકો વરસાદ વિરામ લે તેવી પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે.

પ્રેરણાતીર્થ દેરાસર રોડ પર તાજેતરમાં વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો છે છતા આ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે ત્યારે સવાલ એ છે કે રોડ બનાવતી વખતે તંત્ર ડ્રેનેજની વ્યવસ્થા કરવાનુ શું ભૂલી ગયુ હતુ કે કેમ ?અમદાવાદમાં એક જ દિવસમાં સાત ઇંચ વરસાદ પડતા શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સાંજ પછી રાત્રે વરસાદે વિરામ લેતા અમદાવાદમાં ભરાયેલા પાણી ઓસરવાના શરૂ થયા છે.

અમદાવાદમાં સીઝનનો ૩૫ ઇંચ વરસાદ પડે છે અને આજના વરસાદ સાથે સીઝનનો ૨૮ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. આમ હવે વરસાદની ઘટ પણ સાત ટકા જ બાકી રહી છે. શહેરમાં સરેરાશ ૫ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જોકે બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા ૧ કલાકમાં ૨ ઇંચ વરસાદ થયો હતો. આમ સવારથી બપોરના ૩ વાગ્યા સુધીમાં ૭ ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં સિઝનમાં ૩૫ ઇંચ વરસાદની જરૂર હોય છે, જેની સામે આ વર્ષે ૨૮ ઇંચ કરતા વધુ વરસાદ પડી ચૂક્યો છે.

સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મણિનગરમાં સાડા સાત ઇંચ જેટલો પડ્યો છે. નરોડા, કોતરપુર, સરદારનગર અને એરપોર્ટ વિસ્તારમાં ૬ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પૂર્વ વિસ્તારમાં જોધપુર, સેટેલાઈટ, આનંદનગર, પ્રહલાદનગર, એસજી હાઇવે, સિંધુભવન રોડ, સાયન્સ સિટી, ગોતા, વંદે માતરમ રોડ, ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, આંબાવાડી સહિતના વિસ્તારોમાં પણ ૬ ઈંચ વરસાદ પડ્યો છે.

અમદાવાદ શહેરમાં માત્ર ત્રણ કલાકમાં અવિરત પણે પડેલા ધોધમાર વરસાદમાં સૌથી વધુ વરસાદ પૂર્વ વિસ્તારમાં મણીનગર અને નરોડામાં પાંચ ઇંચ જેટલો પડ્યો છે. સાયન્સ સીટી, ગોતા, ઉસ્માનપુરા ચાંદલોડિયા, જોધપુર, સેટેલાઈટ, શિવરંજની, એસજી હાઇવે, સિંધુભવન રોડ, પ્રહલાદનગર, આનંદનગર, રાણીપ સહિતના વિસ્તારોમાં ૪થી ૪.૫ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

અમદાવાદનો આઇકોનિક રોડ પર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. એરપોર્ટથી લઇ તેરા બ્રિજ સર્કલ સુધી બનાવવામાં આવેલા આઇકોનિક રોડ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો હેરાન પરેશાન થયા હતા. વાહન ચાલકોના વાહન પાણીમાં ફસાઈ ગયા હતા. અમદાવાદ પોલીસ કમિશનર કચેરીની બાજુથી દૂધેશ્ર્વર સુધીના રસ્તા પર દૂર દૂર સુધી પાણી ભરાયાં છે જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા છે. અનેક વાહનો બંધ થતાં ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢવા પડ્યા છે સ્થાનિકો જ લોકોને રોકીને પરત વળી જવા માટે સલાહ આપી રહ્યા છે.