પંંચમહાલ-વડોદરામાંં ભારે વરસાદને પગલે હાલોલ-વડોદરા રસ્તો બંધ કરાયો

  • વડોદરા તરફની તમામ એસ.ટી.બસ હાલોલ ડેપોમાં રોકી દેતાં મુસાફરોને બસ સ્ટેશનમાં રાતવાસો કરવા મજબુર.

પંંચમહાલ જીલ્લામાં ભારે વરસાદને લઈ રોડ રસ્તાઓ પાણી પાણી થયા હતા. ઠેરઠેર વરસાદી પાણી ભરાવાને લઈ તેમજ અનેક રસ્તાઓ ઉપર વૃક્ષો તેમજ વીજ થાંભલાઓ પડી જવાના બનાવો સામે આવ્યા હતા.

હાલોલ સહિતના આસપાસના અનેક રસ્તાઓ ઉપર વીજપોલ અને વૃક્ષો ધારાશાહી થયા હતા. જ્યારે બીજી તરફ વડોદરા તરફના વાહન વ્યવહાર ગતરોજ મોડી સાંજે બંધ કરવામાં આવ્યો હતો. વાહન વ્યવહાર બંધ કરવામાં આવતાંં વડોદરા તરફથી એસ.ટી. બસો હાલોલ એસ.ટી.ડેપોમાં રોકી દેવામાં આવી હતી. જે બસો સવારે પણ શરૂ કરવામાં નહિ આવતાં વડોદરા તરફ જતા મુસાફરો હાલોલ બસ સ્ટેશનમાં અટવાઈ પડયા હતા.

હાલોલ એસ.ટી.ડેપો માંથી સાંજે 4 વાગ્યા પછીના 128 રૂટ રદ કરવામાં આવ્યા હતા. મંંગળવારે વહેલી સવારે 7 વાગ્યા સુધી ગુર્જર નગરીના 6 રૂટ, એકસપ્રેસના 3 રૂટ તેમજ લોકલ બસના 45 રૂટ મળી કુલ 54 રૂટ રદ કરવામાં આવ્યા છે. વડોદરા તરફના માર્ગના વાહન વ્યવહાર બંધ હોવાને લઈ ગોધરા, દાહોદ, સંતરામપુર, ઝાલોદ, લુણાવાડા, બોડેલી તેમજ છોટાઉદેપુર થી વાયા હાલોલ થી વડોદરા, અમદાવાદ-સુરત તરફથી અનેક બસ હાલોલ ડેપો ઉપર રોકી દેવામાં આવી હતી.

જેને લઈ મુસાફરોને વરસતા વરસાદ વચ્ચે હાલોલ બસ સ્ટેશનમાં ગુજારવી પડી હતી. મંગળવારે સવારે વડોદરા ગોલ્ડન ચોકડી થી સુરત, અમદાવાદ રૂટની બસો જવા દેવામાં આવી છે. જ્યારે વડોદરા રૂટની એસ.ટી.બસો હાલ પણ શરૂ કરવામાં આવી નથી.