નાઓર ગિલોને ઈન્ટરનેશનલ, ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના જ્યૂરી હેડના નિવેદનને તેમનો અંગત અભિપ્રાય ગણાવ્યો

નવીદિલ્હી,

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પર IFFI જ્યૂરી હેડ અને ઈઝરાયેલના ફિલ્મ મેકર નદવ લેપિડના નિવેદન પર વિવાદ થઈ ગયો છે. આ મામલે ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને પ્રતિક્રિયા આપી છે. નાઓર ગિલોને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના જ્યૂરી હેડ નદવ લેપિડના નિવેદનને તેમનો અંગત અભિપ્રાય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે નદવ લેપિડના નિવેદન પર અમને શરમ આવે છે.

ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને કાશ્મીરી ફાઈલ્સની ટીકા કરવા બદલ IFFI ના જ્યૂરી હેડ નદવ લેપિડને એક ઓપન લેટર લખ્યો છે. તેમણે કહ્યું કે આ ભારતીયોને સમજમાં આવે એટલે હું તેને હિબ્રુ ભાષામાં લખી રહ્યો નથી. તેમણે નદવ લેપિડને ફટકાર લગાવતા કહ્યું કે તમને શરમ આવવી જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં મહેમાનને ભગવાન ગણે છે. તમે IFFI Goa માં જજોની પેનલની અધ્યક્ષતા કરવા માટે ભારતીય નિમંત્રણની સાથે સાથે તેમના ભરોસા, સન્માન અને ઉષ્માભર્યા સ્વાગતનું પણ મજાક બનાવી દીધુ. તેમણે આગળ લખ્યું છે કે આપણા ભારતીય મિત્રો ’ફૌદા’ સિરીઝના કલાકારોને અહીં બોલાવ્યા અને તેમને ભારતમાં ખુબ પ્રેમ મળ્યો. તમારે તમારા વર્તન બદલ આત્મમંથન કરવાની જરૂર છે. મે મંચ પરથી પણ કહ્યું હતું કે આપણા બંને દેશોમાં અનેક સમાનતાઓ છે કારણ કે આપણે એક સમાન દુશ્મનો સામે લડી રહ્યા છીએ અને જે આપણા ખરાબ પાડોશી જ છે.

ઈઝરાયેલી રાજદૂતે વધુમાં લખ્યું કે મે કહ્યું કે આપણે ભારતને લઈને વિનમ્ર હોવું જોઈએ જ્યાંનું ફિલ્મ કલ્ચર શાનદાર છે અને તેઓ ઈઝરાયેલી કન્ટેન્ટ (ફૌદા અને આવી અનેક ફિલ્મો) પણ પસંદ કરે છે. રાજદૂતે વધુમાં કહ્યું કે હું કોઈ ફિલ્મ એક્સપર્ટ નથી પરંતુ એટલું જાણું છું કે ઐતિહાસિક ઘટનાઓ વિશે સારી રીતે વાંચ્યા સમજ્યા વગર અસંવેદનશીલ રીતે બોલવું જોઈએ નહીં. આ ઘટના ભારત માટે ખુલ્લો ઘા છે કારણ કે આજે પણ અનેક લોકો તેની કિંમત ચૂકવી રહ્યા છે. હોલોકાસ્ટ સર્વાઈવરનો પુત્ર હોવાના નાતે તમારા નિવેદન પર ભારતીયોની પ્રતિક્રિયા જોઈને મને ઊંડો આઘાત લાગ્યો છે. હું આવા નિવેદનની ટીકા કરું છું.

રાજદૂતે જ્યૂરી હેડને શિખામણ આપતા કહ્યું કે તમે પહેલા જે રીતે ખુલીને બોલતા હતા આગળ પણ એ રીતે બોલો. પરંતુ મારી તમને સલાહ છે કે આ બધુ ઈઝરાયેલમાં કરો, તમારી કુંઠા બીજા દેશો પર ન કાઢો. એક અન્ય ટ્વીટમાં તેમણે લખ્યું કે તમે ઈઝરાયેલ પાછા ફરીને વિચારજો કે તમે શું કહ્યું છે. અમે ઈઝરાયેલના પ્રતિનિધિ તરીકે અહીં રહીશું. ગિલને છેલ્લે લખ્યું છે કે ભારત અને ઈઝરાયેલના લોકોની મિત્રતા ખુબ મજબૂત છે અને તમે તેને જે રીતે નુક્સાન પહોંચાડ્યું છે તેની કોઈ અસર થશે નહીં. એક વ્યક્તિ તરીકે મને શરમ આવે છે અને આપણા મેજબાન પાસે હું માફી માંગવા ઈચ્છુ છું. ઈઝરાયેલના રાજદૂતનું ભારતીયોએ ખુલ્લા મને સ્વાગત કર્યું છે.