બહુજન સમાજ પાર્ટી(સપા)ના વડા માયાવતીએ મોટી જાહેરાત કરી કે કોઈપણ ચૂંટણીમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સાથે અમારી પાર્ટી ગઠબંધન નહીં કરે. માયાવતીએ કોંગ્રેસ અને સપા પર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની અવગણના કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે કોંગ્રેસે ક્યારેય બાબાસાહેબને તેમના જીવતા કે મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત ન કર્યા.
માયાવતી અહીં જ ન રોકાયા અને કહ્યું કે સપા અને કોંગ્રેસે તેમના કાર્યકાળ દરમિયાન કાંશીરામના નિધન પર રાજ્ય કે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો નથી. સપા-કોંગ્રેસની બેવડી વિચારસરણી, વર્તન અને ચારિત્ર્યથી સચેત રહેવાની જરૂર છે. બસપા સુપ્રીમોએ સવાલ ઉઠાવ્યો કે કોંગ્રેસે આટલા વર્ષો સુધી સત્તામાં રહેવા છતાં જાતિ ગણતરી કેમ નથી કરાવી?
માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતાં એલાન કર્યું કે સપા અને કોંગ્રેસ જેવા અનામત વિરોધી પક્ષો સાથે હવે અમે કોઈપણ ચૂંટણીમાં ગઠબંધન નહીં કરીએ. આ એસસી, એસટી અને ઓબીસી સમુદાયના હિતમાં નહીં હોય. માયાવતીએ રાહુલ ગાંધી સામે પણ સવાલ ઊઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપના સત્તામાં આવતા પહેલાં કોંગ્રેસ ઘણાં વર્ષો સત્તામાં રહી છે તો પછી અત્યાર સુધી જાતિ આધારિત વસતી ગણતરી કેમ ના કરાવી? અત્યારે કેમ તેની માગ કરવામાં આવી રહી છે?