મધ્યપ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. રાજ્યની બે મુખ્ય નદીઓ (નર્મદા અને શિપ્રા)માં પૂર આવ્યું છે. ઉજ્જૈનના ઘણા ઘાટ અને મંદિરો શિપ્રા નદીમાં ડૂબી ગયા છે. હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે ૭૩ રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેમાંથી શિમલામાં ૩૫, મંડીમાં ૨૦, કાંગડામાં ૯, કુલ્લુમાં ૬, કિન્નોરમાં ૨ અને ઉના જિલ્લામાં ૧ બંધ છે.
યુપીના બલિયામાં સરયૂ નદીમાં પીપા પુલ ધોવાઈ ગયો છે. લખીમપુર ખીરીમાં નાળામાં ૨ યુવાનો ડૂબી ગયા. તેમાંથી એકનું મોત થયું હતું. આજે રાજસ્થાનના ૪ જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ છે. કેન્દ્રએ કહ્યું કે હિમાચલ પ્રદેશમાં ૨૭ જૂને ચોમાસાની સિઝનની શરૂઆતથી શુક્રવાર (૨૩ ઓગસ્ટ) સુધી, વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૪૦ લોકોએ જીવ ગુમાવ્યા છે અને રાજ્યને લગભગ ૧,૨૧૨ કરોડ રૂપિયાનું નુક્સાન થયું છે.
બિહારના ભાગલપુરમાં જળ સંસાધન વિભાગના મુખ્ય ઈજનેર નિરીક્ષણ દરમિયાન ગંગામાં તણાઈ ગયા હતા. તેમણે લાઈવ જેકેટ પહેર્યું હતું છતાં તેઓ ડૂબ્યા નહોતા. એનડીઆરએફની ટીમ પણ તેમની સાથે હતી. તેઓને નદીમાં દોરડું નાખીને બોટમાં પાછા લાવી બચાવી લેવામાં આવ્યા હતા.
રાજસ્થાનના જાલોરમાં, ટેકરીઓમાંથી મંદિર તરફ જતો મુખ્ય માર્ગ અનેક ફૂટ સુધી પાણીથી ભરાઈ ગયો હતો. તમિલનાડુના ડિંડીગુલના પલાની પાસે આવેલ વરથમનાથી ડેમ સતત વરસાદને કારણે ઓવરલો થઈ રહ્યો છે. ચંદીગઢમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં ૩૧% ઓછો વરસાદ થયો છે. જો કે આજે અહીં વરસાદનું એલર્ટ છે. પુણેમાં શનિવારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ સિઝનમાં ૪૯% વધુ વરસાદ થયો છે.
મધ્યપ્રદેશમાં શિપ્રા નદીમાં ઉછાળો આવ્યો છે. ઉજ્જૈનમાં શિપ્રા નદીના રામ ઘાટ પરના મંદિરો ડૂબી ગયા છે.કોલકાતામાં ભારે વરસાદને કારણે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.બિહારના સમસ્તીપુરમાં ગંગાના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે ૬ શાળાઓમાં પાણી ભરાઈ ગયા છે.
ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું કે ભારે વરસાદને કારણે રાજ્યમાં ઓછામાં ઓછા ૨૪ લોકોના મોત થયા છે અને બે લોકો ગુમ છે. તેમણે કહ્યું કે ૧૯ ઓગસ્ટથી જે પ્રકારનો મુશળધાર વરસાદ પડી રહ્યો છે તે પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. ત્રિપુરાના તમામ ૮ જિલ્લા પ્રભાવિત થયા છે.આઇએમડી અનુસાર, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ (૨૦ સેમીથી વધુ)ની સંભાવના છે. પૂર્વ રાજસ્થાન, પશ્ર્ચિમ મય પ્રદેશ, ગોવા, કોસ્ટલ કર્ણાટકમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ (૧૨ સે.મી.)ની શક્યતા છે. ઉત્તર પ્રદેશ, પશ્ર્ચિમ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર, ઝારખંડ, ઓડિશા, આસામ અને મેઘાલય, ત્રિપુરા, કેરળ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં કેટલાક સ્થળોએ ૭ સેમી સુધી વરસાદની શક્યતા છે.