દાહોદમાં સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો

  • સ્વ સહાય જૂથની બહેનોને સહાય અર્થે ચેક તેમજ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા
  • દાહોદ જિલ્લાના કુલ 7408 સખી મંડળોને બેંકોના માધ્યમથી અંદાજીત રૂ. 74 કરોડ નું કેશ ક્રેડિટ ધિરાણ સહાય અપાઈ

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત વડાપ્રધાનશ્રીની વર્ચ્યુયલ ઉપસ્થિતિમાં લખપતિ દીદીને ચેક તેમજ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે યોજવામાં આવ્યો હતો. લખપતિ દીદી એટલે ટૂંકમાં કહીએ તો સ્વ સહાય જૂથની એવી બહેનો કે જેઓ વાર્ષિક રૂ. 1 લાખ અથવા તેથી વધુ કમાણી કરે છે.

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા પરિયોજના વિકાસનો મૂળ હેતુ નિભાવક્ષમ આજીવિકા વિસ્તરણ અને નાણાકીય તથા પસંદગીની જાહેર સેવાઓમાં પ્રવેશ મારફતે કુટુંબની આવક વધારવા તેમજ ગ્રામીણ ગરીબવર્ગને સક્ષમ બનાવવાનો છે. જેમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોના સભ્યોને સખી મંડળો સ્વ સહાય જૂથોમાં સંગઠિત કરી ગરીબીમાંથી બહાર લાવવા પ્રયત્ન કરવામાં આવે છે.આ કાર્યકમમાં ઉપસ્થિત મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય કરીને લખપતિ દીદી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં દોલતગંજ ક્ધયાશાળા, દાહોદની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કરતાં વાતાવરણ પ્રફુલ્લિત થઇ ગયું હતું. ત્યારબાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકબી.એમ.પટેલએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શબ્દો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન સખી મંડળો દ્વારા બનાવેલ પ્રોડક્ટ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરએ કાર્યક્રમને અનુરૂપ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, બહેનો માટે સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે જેને કારણે બહેનો આત્મ નિર્ભર બની આગળ આવે.

સખી મંડળની બહેનો પોતાની કામગીરી અને આવડતથી કામમાં આગળ વધીને આપણા દાહોદ જિલ્લા માટેની એક અલગ ઓળખ બનાવવી જોઈએ.આ કાર્યક્રમ દરમ્યાન કલેકટર યોગેશ નિરગુડેએ બહેનોને સંબોધતા કહ્યું હતું કે, બહેનો આર્થિક રીતે આત્મ નિર્ભર બને એ માટે સરકાર સતત પ્રયત્નો કરે છે જેથી કરીને આપણું જીવન ધોરણ ઊંચું આવી શકે. જેનો લાભ લઇને આપણે આપણા આર્થિક ઉત્થાન માટે આગળ વધતા રહેવું જોઈએ. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ભાર મુકતા કહ્યું હતું કે, બહેનોએ કોઈ ને કોઈ કાર્યમાં પ્રવૃત રહી આગળ વધવું જોઈએ.

આ કાર્યક્રમ દરમ્યાન લખપતિ દીદીઓએ પોતાના લખપતિ બનવા સુધીના પોતાના અનુભવો રજૂ કરીને અન્ય બહેનોને પણ આગળ આવવા માટે અપીલ કરી હતી. લાભાર્થીઓને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરીને લખપતિ દીદીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

દાહોદ જિલ્લાની વાત કરીએ તો સમગ્ર દાહોદ જિલ્લામાં કુલ 14,728 સખી મંડળ છે. જેમાં કુલ 1,39,862 જેટલી મહિલા સભ્ય છે. તેમજ કુલ 11, 758 જેટલી સક્રિય સખી મંડળ છે જે વિવિધ પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે. વાંસકામ, મોતીકામ, ઓર્ગેનિક શાકભાજી, સફાઈ કામદાર, પ્લાસ્ટિક કલેક્શન, માટીકામ, મસાલા ઉત્પાદન, મશરૂમની ખેતી, મરઘાં પાલન, બકરા પાલન, ડેરી ઉદ્યોગ, કરિયાણા સ્ટોર, વર્મી કમપોસ્ટ તેમજ સીવણકામ જેવી પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે.

10, 240 જેટલા સખી મંડળોને પ્રોત્સાહન પેટે કુલ રૂ. 14 કરોડ લાખનું રિવોલ્વિંગ ફંડ આંતરિક ધિરાણ પેટે ચૂકવવામા આવેલ છે, ગ્રામ્ય સ્તરે રચાયેલા સખી મંડળોને જોડીને કુલ 799 ગ્રામ સંગઠનોની રચના થયેલી છે, 5834 સખી મંડળોને લોન પેટે કુલ રૂ. 32 કરોડનું કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ચૂકવવામાં આવેલ છે, તાલુકા કક્ષાએ કુલ 63 ક્લસ્ટર લેવલ ફેડરેશનની રચના કરવામાં આવી છે, ઉપરાંત દાહોદ જિલ્લામાં કુલ 69 પ્રોડ્યુસર ગ્રુપને રૂ. 34. 50 લાખનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ તથા રૂ.103 લાખનું વર્કિંગ કેપિટલ ફંડ એમ કુલ રૂ. 138 લાખ ચૂકવવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી. એમ.પટેલ, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી ડી.ડી.ચૌધરી , જિલ્લા લાઈવલી હુડ મેનેજર શુકુમાર ભુરીયા સહિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ કર્મચારીઓ ઉપરાંત સ્વ સહાય જૂથની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.