- કેન્દ્ર સરકારને પુછ્યુ છે કે, કોલેજિયમ તરફથી મોકલવામાં આવેલા નામોને કેન્દ્ર સરકારે હજુ સુધી કેમ મંજૂરી નથી આપી ?
નવીદિલ્હી,
કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજ્જુ દ્વારા કોલેજિયમ સિસ્ટમને લઈને કરવામાં આવેલ નિવેદન સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ન્યાયાધીશોની નિમણૂકની કોલેજિયમ પ્રણાલી પર કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવું ના થવું જોઈએ. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કાયદા મંત્રી દ્વારા ટીવી ચેનલ પર કોલેજિયમને લઈને કરેલી નિવેદનને સંપૂર્ણપણે ફગાવી દીધુ હતું. સાથોસાથ કેન્દ્ર સરકારને પુછ્યુ છે કે, કોલેજિયમ તરફથી મોકલવામાં આવેલા નામોને કેન્દ્ર સરકારે હજુ સુધી કેમ મંજૂરી નથી આપી ?
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એએસ ઓકાની બેન્ચે કહ્યું કે, કૉલેજિયમ સિસ્ટમ પર કેન્દ્રીય પ્રધાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી ના થવી જોઈએ. સુપ્રીમ કોર્ટની નારાજગી પર પોતાની વાત રાખતા સોલિસિટર જનરલે કહ્યું કે ક્યારેક મીડિયામાં છપાયેલા સમાચાર ખોટા પણ હોઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કાયદા મંત્રી કિરેન રિજ્જુએ કોલેજિયમ સિસ્ટમને એલિયન સાથે સરખાવી હતી.કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા નામને લઈને સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલને પૂછ્યું હતુ કે કોલેજિયમ તરફથી મોકલવામાં આવેલા નામોને કેન્દ્ર સરકારે હજુ સુધી કેમ મંજૂરી નથી આપી ?
જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું કે એવું લાગે છે કે સરકાર એનજેએસીને બંધારણીય માન્યતા ન મળવાથી નાખુશ છે. પરંતુ જો સરકાર લાંબા સમય સુધી નામ મંજૂર ન કરે અને ફાઇલ હોલ્ડ પર રાખે તો આ કરી શકાતું નથી. આ કેસની હવે પછીની આગામી સુનાવણી ૮મી ડિસેમ્બરે હાથ ધરાશે.
જસ્ટિસ કૌલે કહ્યું કે સરકાર પોતાનો વાંધો દર્શાવ્યા વિના નામ પાછા ખેંચી શકે નહીં. મેં હાઈકોર્ટના નામ પર કોઈ ટિપ્પણી કરી નથી, કારણ કે ૪ મહિના વીતી ગયા નથી, પરંતુ આ નામ દોઢ વર્ષથી પેન્ડિંગ છે. તમે નિમણૂકની રીતથી નિરાશ થઈ રહ્યા છો, અમે નામ મંજૂર ના થવાની સમસ્યા જાણવા માટે જ નોટિસ આપી છે.
જસ્ટિસ કૌલે એમ પણ કહ્યું કે એકવાર નામનું પુનરાવર્તન થઈ જાય તો તેને આ રીતે નામ આપવાનો શો અર્થ છે. આનો અર્થ એ છે કે તમે વરિષ્ઠતાને સંપૂર્ણપણે અવગણો છો, કોલેજિયમ આ બધું યાનમાં લે છે. આ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ હોય છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, તેનું પાલન કરવું પડશે. આવા ઘણા કેસ પેન્ડિંગ છે. સારા લોકોએ બેન્ચમાં હાજરી આપવી જોઈએ અને અપવાદ ન હોય તો સમયમર્યાદાનું પાલન કરવું જોઈએ. એટર્ની જનરલે કહ્યું કે હું તમને બતાવી શકું છું કે આ પ્રક્રિયાની વિશ્ર્વસનીયતા કેવી રીતે વધારવી. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો એટર્ની જનરલ કહે છે કે તેની તપાસ કરવામાં આવી રહી છે તો તે એકદમ યોગ્ય છે. સોલિસિટર જનરલ અને એટર્ની જનરલ બંનેએ અહીં કામ કરવું જોઈએ તમારે ચિંતા સમજવી જોઈએ. એકવાર સમય મર્યાદા નક્કી થઈ જાય પછી તેનું પાલન કરવું જોઈએ.
તમને જણાવી દઈએ કે કાયદા મંત્રીએ કહ્યું હતું કે અદાલતો અથવા કેટલાક ન્યાયાધીશોના નિર્ણયને કારણે બંધારણ માટે કંઈપણ પરાયું હોઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે કેવી રીતે આશા રાખી શકો કે દેશ તે નિર્ણયને સમર્થન આપશે.
કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ કહ્યું હતુ કે કોલેજિયમ સિસ્ટમ આપણા બંધારણ પ્રત્યે સંપૂર્ણપણે અજાણી પરિભાષા છે. તેમણે એમ પણ કહ્યું હતુ કે, તમે મને કહો કે કોલેજિયમ સિસ્ટમનો ઉલ્લેખ કઈ જોગવાઈમાં કરવામાં આવ્યો છે.