કોર્ટે આરોપી સંજય રોયને ૧૪ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો

કોલકાતાની સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટરની બળાત્કાર અને પછી હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી સંજય રોયને કોલકાતાની સિયાલદહ કોર્ટે ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. મહિલા ડોક્ટરનો મૃતદેહ ૯ ઓગસ્ટના રોજ હોસ્પિટલના સેમિનાર રૂમમાંથી મળી આવ્યો હતો. આ સંબંધમાં બીજા દિવસે રોયની કોલકાતા પોલીસે ધરપકડ કરી હતી. જો કે, કલકત્તા હાઈકોર્ટના નિર્દેશ પર, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને ગયા અઠવાડિયે કોલકાતા પોલીસ પાસેથી આ કેસની તપાસ હાથ ધરી હતી. સંજય રોયે બળાત્કાર અને હત્યાનો ગુનો કબૂલી લીધો છે.

કોલકાતાની સિયાલદહ કોર્ટ પણ આજે સંજય રોયના પોલીગ્રાફ ટેસ્ટ પર ચુકાદો આપવા જઈ રહી છે. સાંજના ૫.૩૦ વાગ્યા પહેલા સંજય રોયના પોલીગ્રાફ ટેસ્ટ અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે કોલકાતા કોર્ટને સંજય રોયના પોલીગ્રાફ ટેસ્ટ માટે સીબીઆઇની અરજી પર આજે સાંજ સુધીમાં નિર્ણય આપવા કહ્યું છે.

મહિલા તબીબના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના શરીર પર ૧૬ બાહ્ય અને ૯ આંતરિક ઈજાના નિશાન હોવાનું બહાર આવ્યું છે. તમામ ઇજાઓ ડૉક્ટરના મૃત્યુ પહેલા થઈ હતી અને તેમાં માથા, ગરદન અને શરીરના અન્ય ભાગોના સ્નાયુઓના ઘા સહિત નવ આંતરિક ઘાનો પણ ઉલ્લેખ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર તેના પર પણ બળાત્કાર થયો હતો.આરોપી સંજયે ત્રણ લગ્ન કર્યા હતા. તેમની બે પત્નીઓએ તેમને છોડી દીધા, જ્યારે એકનું કેન્સરને કારણે મૃત્યુ થયું. તેની માતાએ મીડિયાને જણાવ્યું હતું કે સંજયે તેની પત્નીને બચાવવા માટે પાણીની જેમ તમામ પૈસા ખર્ચી નાખ્યા હતા, તેમ છતાં તેનો જીવ બચાવી શકાયો નથી.