આસામમાં સગીર બાળકી સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. આરોપ છે કે છોકરી ગુરુવારે સાંજે ટ્યુશન ક્લાસમાંથી ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન આ ઘટના બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના આસામના નાગાંવ જિલ્લામાં બની હતી. સગીરા પર થયેલા ગેંગરેપને લઈને લોકોમાં ગુસ્સો છે.
જેને લઈને સ્થાનિક લોકો વિસ્તારમાં વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ સંગઠનો અને રહીશોએ આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતના બંધની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોલકાતામાં એક ડોક્ટરની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. આ પછી સમગ્ર દેશમાં ગુસ્સો છે. તે જ સમયે, થોડા દિવસો પહેલા બદલાપુરની એક શાળામાં માસૂમ બાળકો સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકોએ આ ૧૪ વર્ષની છોકરીને અર્ધ નગ્ન અને બેભાન અવસ્થામાં રસ્તાના કિનારે મળી હતી. આ મામલો ગુરુવારે સાંજે સાત વાગ્યાનો છે. આ પછી પોલીસ બાળકીને સારવાર અને મેડિકલ તપાસ માટે નાગાંવ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ ગઈ. નાગાંવના એસપી સ્વપ્નિલ ડેકાએ પત્રકારોને જણાવ્યું કે મહિલા પોલીસ અધિકારી દ્વારા યુવતીનું નિવેદન નોંધવામાં આવ્યું છે. યુવતીના કહેવા પ્રમાણે, ત્રણ લોકોએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે અમે સ્થળ પરથી વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કર્યા છે અને કેસ પર કામ કરી રહ્યા છીએ.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે બળાત્કારની ઘટનાને માનવતા વિરુદ્ધ ગુનો ગણાવ્યો હતો. તેમણે ડીજીપીને ઘટનાસ્થળે પહોંચવાની સૂચના આપી છે. મુખ્યમંત્રી હિમંતાએ ઠ પર પોસ્ટ લખી છે. જેમાં તેણે લખ્યું છે કે સગીર સાથે જોડાયેલી ભયાનક ઘટના માનવતા વિરુદ્ધ ગુનો છે. આનાથી આપણા સામૂહિક અંતરાત્માને ઠેસ પહોંચી છે. અમે કોઈને પણ બક્ષશું નહીં અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવીશું. મેં આસામ પોલીસના ડીજીપીને સ્થળની મુલાકાત લેવા અને આવા રાક્ષસો સામે ઝડપી ન્યાય સુનિશ્ર્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.