ટ્રમ્પને ચૂંટણીમાં હરાવવા તેમના જ પક્ષના વિરોધીઓ મેદાનમાં

ડેમોક્રેટિક પાર્ટીના બરાક ઓબામા સહિતના દિગ્ગજ નેતાઓ કમલા હેરિસને આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવાર તરીકે ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં સમર્થન આપી રહ્યા છે ત્યારે કમલાને જીતાડવાના પ્રયાસોમાં વિદ્રોહીઓના એક અનઅપેક્ષિત જૂથનું સમર્થન પ્રાપ્ત થયું છે.

કેટલાક રિપબ્લિકન્સ જ પોતાના સાથીઓને ડોનાલ્ડ ટ્રમ્પને છેહ આપવાની વિનંતી કરી રહ્યા છે. જોકે, વર્ષોથી કેટલાક રિપબ્લિકન્સ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ બોલતા રહ્યા છે. પરંતુ ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં આ લોકોની હાજરીએ કન્ઝર્વેટિવ્સ અને સ્વતંત્ર ઉમેદવારોને આગામી નવેમ્બરમાં યોજાનારી ચૂટણીમાં પોતાની પસંદગી પર ફેરવિચારણા કરવા માટેના આહ્વાનને વધારે બળ પ્રદાન કર્યું છે. જ્યોજયાના પૂર્વ લેટનન્ટ ગવર્નર જ્યોફ ડંકને ડેમોક્રેટ કેન્વેશનના સ્ટેજ પરથી જણાવ્યું કે મારા રિપબ્લિકન મિત્રોને હું એક વાત સ્પષ્ટ રીતે જણાવી દેવા માગુ છું.

જો તમે ૨૦૨૪માં કમલા હેરિસને મત આપશો તો તમે ડેમોક્રેટ નથી પરંતુ તમે દેશભક્ત છો. ઉલ્લેખનીય છે કે જ્યોજયા જ એ રાજ્ય હતું જ્યાં ટ્રમ્પે ૨૦૨૦ની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોને ઊથલાવવા માટેના પ્રયાસ કર્યા હતા. ડંકને કહ્યું હતું કે મારી આ ટિપ્પણી એવા લાખો રિપબ્લિકન્સ અને સ્વતંત્ર લોકો માટે છે જેમના વિશે હું જાણું છું કે તેઓ ટ્રમ્પથી કંટાળી ગયા છે. ડંકને કહ્યું હતું કે આજકાલ અમારી પાર્ટી એક સંપ્રદાય તરીકે કામ કરે છે, એક એવા સંપ્રદાયના રૂપમાં જ્યાં એક ગુનેગાર ઠગની પૂજા કરાય છે.