અફઘાનિસ્તાનમાં મહિલાઓના જાહેરમાં બોલવા પર મુકાયો પ્રતિબંધ

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસકોએ નવા કાયદા હેઠળ મહિલાઓને જાહેરમાં બોલવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ કાયદા હેઠળ હવે મહિલાઓએ ચહેરો ઢાંકવો પડશે. જે મહિલાઓ આ કાયદાનું પાલન નહીં કરે તો તેમને ચેતવણી અથવા ધરપકડ કરવામાં આવી શકે છે. સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે ’સુપ્રીમ લીડર હિબતુલ્લા અખુન્દઝાદા દ્વારા મંજૂર કરવામાં આવ્યા બાદ આ કાયદાનો અમલ કરવામાં આવ્યો હતો.જીવિત વ્યક્તિઓની તસવીર પ્રકાશિત કરવા પર પણ પ્રતિબંધ છે. સંગીત વગાડવું, મહિલાઓને એકલા મુસાફરી કરવી અને એકબીજા સાથે સંબંધિત ન હોય તેવા પુરૂષો અને મહિલાના મળવા પર પ્રતિબંધ છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ મહિલાઓના અધિકારોનું ઉલ્લંઘન વયું છે. મંત્રાલયે કાબુલમાં મહિલા મંત્રાલયના પરિસરને કબજે કરી લીધું છે અને મહિલાઓ પર ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. માનવાધિકાર સંગઠનો અને સંયુક્ત રાષ્ટ્રોએ આ પ્રતિબંધોની આકરી ટીકા કરી છે. સંયુક્ત રાષ્ટ્રના મિશને એથિક્સ મિનિસ્ટ્રીના અધિકારીઓ પર પણ અનેક આરોપો લગાવ્યા છે.

અહેવાલો અનુસાર, તાલિબાનના કાયદાઓનું પાલન ન કરવા પર મહિલાઓને કેટલાક કલાકો સુધી અટકાયતમાં રાખવામાં આવી હતી. જો કે, તાલિબાને આ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે આ નિયમો ઇસ્લામિક કાયદા અને અફઘાન રિવાજો પર આધારિત છે. એવું માનવામાં આવે છે કે તાલિબાનની આ નીતિએ અફઘાનિસ્તાનમાં અભિવ્યક્તિની સ્વતંત્રતામાં અવરોધ ઊભો કર્યો છે, જેના કારણે દેશમાં સામાજિક અને રાજકીય તણાવ પણ વધી રહ્યો છે.