બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાનની છેલ્લી ફિલ્મ ’લાલસિંગ ચડ્ડા’ આવી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. નિષ્ફળતાના આઘાતમાંથી બહાર નીકળવા માટે આમિરે લાંબો બ્રેક લીધો હતો. પછી આમિરે ફિલ્મો પ્રોડ્યુસ કરવામાં પોતાનું બધું જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને તે હાલ પ્રોડ્યુસર તરીકે વ્યસ્ત છે. તેનાં પ્રોડક્શનની આગામી ફિલ્મ ’સિતારેં ઝમીં પર’ આ ડિસેમ્બરમાં રિલીઝ થશે.હવે આમિર ફરી પ્રોડ્યુસ કરવા માટે કોઈ સારી સ્ટોરીની શોધમાં છે, સાથે જ તે એક્ટિંગ માટે પણ સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યો છે.
શાહરૂખ ખાને ૨૦૧૮માં ઝીરોની નિષ્ફળતા પછી લાંબો બ્રેક લીધો હતો. પાંચ વર્ષે શાહરૂખની બે ફિલ્મ રિલીઝ થઈ હતી. શાહરૂખે ઓડિયન્સની બદલાયેલી પસંદગી અને ટ્રેન્ડને સ્વીકારી સાઉથના ડાયરેક્ટર્સ સાથે ફિલ્મો કરી હતી. ડાયરેક્ટર એટલી સાથેની’જવાન’અને સિદ્ધાર્થ આનંદ સાથેની ’પઠાણ’ બ્લોકબસ્ટર રહી હતી. આ બંને ફિલ્મોએ રૂ.૧૦૦૦ કરોડના કલેક્શનનો નવો માઈલસ્ટોન સેટ કર્યો હતો.
શાહરૂખની કરિયરને ફરીથી બેઠી કરવામાં સાઉથની સ્કિલ કામ લાગી હોવાથી બોલિવૂડના ટોચના એક્ટર્સ સાઉથના ડિરેક્ટર્સ સાથે કામ કરવા તલપાપડ થયા છે. સાઉથની ફિલ્મોથી સફળ થયેલા ’બાહુબલિ’ પ્રભાસને થોડા સમય માટે બોલિવૂડ માટે મોહ જાગ્યો હતો. જો કે બોલિવૂડમાં પ્રભાસે કરેલી ફિલ્મો નિષ્ફળ રહેતા પ્રભાસે ફરી સાઉથના ડાયરેક્ટર-પ્રોડ્યુસર્સ તરફ નજર દોડાવી. જેના કારણે તેની છેલ્લી બંને ફિલ્મ – કલ્કિ અને સાલાર – હિટ રહી હતી. સાઉથની ટેલેન્ટનો યોગ્ય ઉપયોગ કરીને સફળતા શોધી રહેલા બોલિવૂડ સ્ટાર્સની યાદીમાં આમિર ખાનનું નામ પણ જોડાઈ શકે છે.
આમિર સાઉથના ડાયરેક્ટર લોકેશ કનગરાજ સાથે એક્શન ફિલ્મ માટે ચર્ચામાં હોવાની અટકળો ચાલી રહી છે. લોકેશ આ પહેલાં ’ખૈદી’,’વિક્રમ એન્ડ લિઓ’ જેવી ફિલ્મો આપી ચૂક્યા છે. સાઉથની ફિલ્મોનું જાણીતું પ્રોડક્શન હાઉસ મૈત્રી મુવીઝ આ ફિલ્મ પ્રોડ્યુસ કરવા સહમત થયું છે અને આવતા વર્ષે આ ફિલ્મની જાહેરાત થવાની શક્યતા છે.
ફિલ્મની સ્ટોરી અથવા આમિર ખાનના કેરેક્ટર્સ અંગે ખાસ વિગતો બહાર આવી નથી, પરંતુ આમિર ખાન એક્ટિંગમાં કમબેક કરવાના પ્રયાસને અસરકારક બનાવવા માગે છે. શાહરૂખ જેવી જ સફળતાનું પુનરાવર્તન કરવા માટે આમિરે બોલિવૂડના જૂના સાથીદારો તરફ નજર દોડાવવાના બદલે સાઉથની ટેલેન્ટ પર ભરોસો મૂકવાનું વિચાર્યું છે. આમિર અને લોકેશ વચ્ચે ફિલ્મની સ્ટોરી અંગે વાતચીત થઈ ગઈ છે અને આમિરને પોતાનું કેરેક્ટર પસંદ આવ્યું હોવાનું કહેવાય છે.
આમિર ખાન હાલ પોતાના પ્રોડક્શન હાઉસની ફિલ્મોમાં વ્યસ્ત છે. સાથે દીકરા જુનૈદની કરિયરને પાટે ચડાવવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. આમ, આમિર પાસે હાથ પર ઘણાં કામ છે. ડાયરેક્ટર લોકેશ કનગરાજ પણ મોટા બજેટની ફિલ્મ શરૂ કરીને બેઠા છે. તેઓ સુપરસ્ટાર રજનીકાંતની ’કૂલી’ ડિરેક્ટ કરવામાં વ્યસ્ત છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. તેથી લોકેશ અને આમિર પોત-પોતાના જૂના કમિટમેન્ટ્સ પૂરા કર્યા પછી આગામી પ્રોજેક્ટ માટે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરે તેવી શક્યતા છે.