બાંગ્લાદેશના દિગ્ગજ ક્રિકેટર શાકિબ અલ હસન વિરુદ્ધ એફઆઇઆર,હત્યા માટે ઉશ્કેરવાનો આરોપ

બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે અરાજક્તા જોવા મળી રહી છે. તેની અસર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પર પણ જોવા મળી હતી.બીસીબી ડિરેક્ટરે રાજીનામું આપવું પડ્યું, જ્યારે ફારુક અહેમદને બીસીબીના નવા પ્રમુખ બનાવવામાં આવ્યા. એટલું જ નહીં ભવિષ્યમાં બાંગ્લાદેશની ટીમમાં પણ કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે.

ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, બાંગ્લાદેશના દિગ્ગજ ક્રિકેટર અને અવામી લીગના ભૂતપૂર્વ સાંસદ શાકિબ અલ હસન, જે પાકિસ્તાન પ્રવાસ પર હતા, તેમના પર હત્યાને ઉશ્કેરવાનો આરોપ છે. આ મામલો એક ગારમેન્ટ વર્કરની હત્યા સાથે સંબંધિત છે આ અંગે પોલીસ સ્ટેશનમાં પણ કેસ નોંધવામાં આવ્યો છે.

મૃતક રૂબેલના પિતા રફીકુલ ઈસ્લામે ઢાકાના એડબોર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. આ કેસમાં સાકિબ ૨૮મો આરોપી છે. અન્ય આરોપીઓમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના, ઓબેદુલ કાદર અને અન્ય ૧૫૪નો સમાવેશ થાય છે. લગભગ ૪૦૦-૫૦૦ અજાણ્યા લોકો પણ આરોપી છે. કેસના નિવેદન મુજબ, ૫ ઓગસ્ટના રોજ, રૂબેલે અદાબોરમાં રિંગ રોડ પર વિરોધ માર્ચમાં ભાગ લીધો હતો. રેલી દરમિયાન, કોઈએ આયોજિત ગુનાહિત કાવતરાના ભાગરૂપે ભીડ પર કથિત રીતે ગોળી ચલાવી હતી, જેના પરિણામે રૂબેલને છાતી અને પેટમાં ગોળી વાગી હતી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ૭ ઓગસ્ટના રોજ તેનું મૃત્યુ થયું.

શાકિબ આ પહેલા પણ ઘણી વખત મેદાનની અંદર અને મેદાનની બહાર વિવાદોમાં ફસાઈ ચૂક્યો છે. આ વર્ષે મે મહિનામાં તેણે સેલ્ફી લેવા આવેલા એક ફેન સાથે ગેરવર્તન કર્યું હતું. તેની એક્શન કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પહેલા શાકિબે ગુસ્સામાં પ્રશંસકની ગરદન પકડી અને બાદમાં તેને મારવા માટે હાથ ઉંચો કર્યો.

તે તેનો પીછો કરતો જોવા મળ્યો હતો. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આટલું જ નહીં, મેદાન પર તે ઘણી વખત અમ્પાયરના કોઈપણ નિર્ણયનો સખત વિરોધ વ્યક્ત કરતો જોવા મળ્યો છે. એકવાર ગુસ્સામાં તેણે પગથી સ્ટમ્પ તોડી નાખ્યા. તે અમ્પાયરને ફટકારવા માટે ઝડપથી આગળ વયો, પરંતુ પછી અટકી ગયો.

શાકિબ અલ હસનને ગયા અઠવાડિયે બાંગ્લાદેશની નવી વચગાળાની સરકારે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનનો સામનો કરવા માટે મંજૂરી આપી હતી. પોતાના ક્રિકેટ ચાલુ રાખવાના નિર્ણય પર મ્ઝ્રમ્ પ્રમુખ ફારુકે કહ્યું, ’અમે શાકિબની સ્થિતિ અંગે ચર્ચા કરીશું અને એ પણ જોઈશું કે શું તે વર્તમાન સંજોગોમાં ચાલુ રાખી શકે છે કે નહીં. અમે પ્રવાસ દરમિયાન ખેલાડીઓના આચરણ અંગેના નિયમો ઉમેરવાનું પણ વિચારી રહ્યા છીએ.

શાકિબે બાંગ્લાદેશ માટે ૬૮ ટેસ્ટ, ૨૪૭ વનડે અને ૧૨૯ ટી-૨૦ રમી છે. તેણે ટેસ્ટમાં ૩૮.૮૪ની એવરેજથી ૪૫૦૫ રન, વનડેમાં ૩૭.૧૧ની એવરેજથી ૭૫૭૦ રન અને ટી૨૦માં ૧૨૧.૨૫ની સ્ટ્રાઈક રેટથી ૨૫૫૧ રન કર્યા છે. શાકિબે ટેસ્ટમાં પાંચ સદી અને ૩૧ અડધી સદી, વનડેમાં ૯ સદી અને ૫૬ અડધી સદી અને ્૨૦માં ૧૩ અડધી સદી ફટકારી છે. આ સિવાય તેણે ટેસ્ટમાં ૨૩૮ વિકેટ, વનડેમાં ૩૧૭ વિકેટ અને ટી ૨૦માં ૧૪૯ વિકેટ ઝડપી છે.