સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જિલ્લામાં એક ઇંચથી લઇને બે ઇંચ સુધી વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના ગીરકાંઠાના વિસ્તારમાં બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને નદીમાં પુર આવ્યાં હતા. જેના કારણે અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન ખોડિયાર ડેમમાં નવા નીરની આવક થઇ હતી. આજે ડેમ છલકાઇ ગયો હતો. પરિણામે ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યાં હતા. તેમજ નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવધાન કરવામાં આવ્યાં હતા.
અમરેલી જિલ્લાનો સૌથી મોટો ડેમ ખોડિયાર ધારી ડેમ છે. તેમજ લોકોની જીવાદોરી સમાન છે. ડેમમાંથી સિંચાઇનું પાણી આપવામાં આવે છે. ત્યારે ખોડિયાર ડેમ ભરાયો છે. ખોડિયાર ડેમમાં પાણીની આવક થતા ડેમના બે દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યાં હતાં. તેમજ દરવાજા ખોલતા શેત્રુંજી નદીમાં પાણી આવ્યું હતું. શેત્રુજી નદીના કાંઠા વિસ્તારમાં આવેલા ગામડાને એલર્ટ કરવામાં આવ્યાં હતા. નદીના કાંઠા વિસ્તારમાં ૪૦ જેટલા ગામ છે અને આ ગામના લોકોને નદીના પટ્ટમાં ન જવા અપીલ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના ૧૧ તાલુકામાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ખાંભા તાલુકાના ગીરકાંઠાના ગામડામાં અને ખાંભાના જંગલ વિસ્તારની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે. સાથે જ ધારી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડવાને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યા છે અને ગામની ગલીઓમાં પુર જેવો માહોલ સર્જાયો છે. અમરેલી જિલ્લામાં કપાસ, મગફળી અને સોયાબીન અને ડુંગળીનો વાવેતર કરવામાં આવ્યું છે.
૨૨ થી ૨૫ દિવસથી વરસાદ થયો ન હતો. ૨૨ દિવસ બાદ ધોધમાર વરસાદ થયો છે.ધારી પાસે આવેલા ખોડીયાર ડેમ ૧૦૦ ટકા ભરાઈ જતા જળાશયનું લેવલ જાળવવા માટે ડેમના બે દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે. શેત્રુંજી નદીમાં ઘોડાપૂર જેવો માહોલ સર્જાયો છે. ડેમના દરવાજા ખોલતા સિંચાઈનો લાભ ખેડૂતોને થશે. તેમજ લાંબા સમય બાદ વરસાદ થતા ખેડૂતો ખુશ થયા છે. આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા છે.ગુજરાતમાં ફરીથી મેઘરાજા વરસવાના મૂડમાં આવી ગયા છે.
ગુજરાતમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘ મહેર થઇ રહી છે. ત્યારે ખેડૂતો સહિત સામાન્ય માણસોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. અમરેલી, સાબરકાંઠા, બનાસકાંઠા, સુરત જિલ્લાનાં કેટલાક વિસ્તારોમાં આજ સવારથી ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ વરસી રહ્યો છે. બગસરા પંથકનાં ગામડાંમાં વરસાદી માહોલ સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. આ સાથે પાકને પણ ભરપૂર ફાયદો થયો છે.
ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ સવારથી વરસાદી માહોલ છવાયો છે. સાબરકાંઠાના ઈડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ચિત્રોડા, પોશીના, બ્રહ્મપુરી, રેવાસ, વસાઈ અને જીઝવા ગામમાં વરસાદ પડ્યો છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. કેટલાક ખેતરોમાં અને રોડ પર પણ પાણી ભરાયાં છે. આ જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની તાતી જરૂરિયાત છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કેટલાક ગામોમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. અહીંના ભાગળ, જગાણા, કાણોદર, લાલાવાડા, જસલેણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદી વાતાવરણ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાયો છે. આજે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્ર્ચય યાદવે કરેલી આગાહીમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં સાત દિવસ વરસાદનું પુર્વાનુમાન છે.દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી આપવામા આવી છે.