દિલ્હી કોચિંગ સેન્ટર કેસ: ભોંયરાના ચાર સહ-માલિકોને રાહત મળી નથી

દિલ્હીની એક અદાલતે શુક્રવારે જૂના રાજેન્દ્ર નગર સ્થિત કોચિંગ સેન્ટરના ’બેઝમેન્ટ’ના ચાર સહ-માલિકોની જામીન અરજી ફગાવી દીધી હતી. જેમાં સિવિલ સવસની પરીક્ષાની તૈયારી કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓના પાણી ભરાવાના કારણે મોત થયા હતા. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અંજુ બજાજ ચંદનાએ કહ્યું, ’તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે. હું જામીન આપવાના પક્ષમાં નથી. આ કેસમાં કોર્ટનો વિગતવાર આદેશ હજુ સુધી ઉપલબ્ધ નથી.

કોર્ટે સીબીઆઈના વકીલો અને ’બેઝમેન્ટ’ના ચાર સહ-માલિકો – પરવિંદર સિંહ, તજિન્દર સિંહ, હરવિંદર સિંહ અને સરબજીત સિંહની દલીલો સાંભળ્યા બાદ ૧૭ ઓગસ્ટે અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં કોચિંગ સેન્ટરની ઈમારતના ભોંયરામાં વિદ્યાર્થીઓના મોતની તપાસ પોલીસ પાસેથી સીબીઆઈને સોંપી હતી જેથી કરીને લોકો તપાસમાં કોઈ શંકા વિના રહે.

તમને જણાવી દઈએ કે દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર કોચિંગના ત્રણ વિદ્યાર્થીઓના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા. આ તમામ વિદ્યાર્થીઓ બિલ્ડીંગના બેઝમેન્ટમાં આવેલી લાયબ્રેરીમાં અભ્યાસ કરતા હતા. ત્યારબાદ વરસાદનું પાણી કોચિંગના બેઝમેન્ટમાં ઘૂસી ગયું અને ત્રણ વિદ્યાર્થીઓએ ડૂબી જવાથી જીવ ગુમાવ્યો.