અમદાવાદ,
ગુજરાતમાં કુલ બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં ૧ ડિસેમ્બર અને બીજા તબક્કામાં ૫ ડિસેમ્બરે મતદાન થવાનું છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ ગુજરાતમાં બીજા તબક્કામાં ચૂંટણી લડી રહેલા ૮૩૩ ઉમેદવારોની એફિડેવિટનું વિશ્લેષણ કર્યું છે. જેમાં અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે. ગુજરાતમાં બીજા તબક્કામાં કુલ ૨૦ ટકા ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ ના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં બીજા તબક્કાની ૯૩ બેઠકો પર કુલ ૮૩૩ ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી ૨૦ ટકા એટલે કે ૧૬૩ ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ ૧૬૩ ઉમેદવારોમાંથી ૯૨ ઉમેદવારો એટલે કે ૧૧ ટકા ઉમેદવારો પર ગંભીર ગુનાઓ દાખલ છે. ૨૦૧૭ની ચૂંટણીમાં ૧૨ ટકા ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા.
બીજા તબક્કાના ભાજપના ૯૩ ઉમેદવારોમાંથી ૧૮ ઉમેદવારો, કોંગ્રેસના ૯૦ ઉમેદવારોમાંથી ૨૯ ઉમેદવારો આપના ૯૨ ઉમેદવારોમાંથી ૨૯ ઉમેદવારો બીટીપીના ૧૨ ઉમેદવારોમાંથી ૪ ઉમેદવારો ગુનાઈત ઇતિહાસ ધરાવે છે. ૯ ઉમેદવારો પર મહિલાઓ સામેના ગુનાઓ નોંધાયેલા છે. જેમાં એક ઉમેદવાર સામે બળાત્કારનો ગુનો નોંધાયેલો છે. ૨ ઉમેદવારો પર હત્યાનો ગુનો નોંધાયેલો છે.
એડીઆરના રિપોર્ટ પ્રમાણે બીજા તબક્કામાં ભાજપના ૭૫, કોંગ્રેસના ૭૭ અને આમ આદમી પાર્ટીના ૩૫ ઉમેદવારો કરોડપતિ છે. ૫૦૬ એટલે કે ૬૧ ટકા ઉમેદવારો માત્ર ૧૨ ધોરણ સુધી ભણેલા છે. આ સિવાય ૨૬૪ ઉમેદવારો ગ્રેજ્યુએટ છે. તો ૨૭ ઉમેદવાર ડિપ્લોમા હોલ્ડર છે. ૩૨ ઉમેદવારો એવા છે જેને માત્ર લખતાં-વાંચતા આવડે છે.