શહેરા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડના નામનુંં ફેસબુક આઈડી બનાવરને યુ.પી.ના મેરઠથી ઝડપ્યો

શહેરા પોલીસ મથક ખાતે જૂન મહિનામાં સાઈબર ક્રાઈમ સંદર્ભનો એક ગુન્હો નોંધાયો હતો. જેઠાભાઈ ભરવાડ ( આહીર )ના નામનું ફેક (ખોટું) ફેસબુક એકાઉન્ટ બનાવનારને પોલીસે ઉત્તરપ્રદેશના મેરઠ નજીક મવાના તાલુકાના મીરપુર ગામેથી ઝડપી પાડ્યો હતો.

વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમના ગુન્હામાં ફેસબુકમાં ફેક એકાઉન્ટ કે પછી ઓનલાઈન માં ઠગાઈ ના ગુન્હાઓનું પ્રમાણ વધતું જાય છે. કેટલાક કિસ્સાઓમાં ભોગ બનનાર વ્યક્તિ સમયસર પોલીસને જાણ કરે તો સાયબર ક્રાઈમ કરનારને પકડી પાડવામાં આવે છે. ત્યારે જૂન મહિનામાં શહેરા પોલીસ મથકે સાઈબર ક્રાઈમ સંદર્ભનો એક ગુન્હો નોંધાયો હતો. જેમાં જેઠાભાઈ ભરવાડ (આહીર)ના નામનું ફેક (ખોટું ) ફેસબુક એકાઉન્ટ બનાવી તેઓના સાચા ફેસબુક એકાઉન્ટમાં થી બે ફોટા આ ફેક ફેસબુક એકાઉન્ટમાં મુકવામાં આવ્યા હતા. જેની તપાસ શહેરા પોલીસ મથકના પી.આઈ. રાહુલ રાજપૂત કરી રહ્યા હતા અને તેઓએ ફેક ફેસબુકના આઈ.પી. ટ્રેક કરી ટેક્નિકલ એનાલિસિસ કરતા જાણ થઈ હતી કે ફેક ફેસબુક એકાઉન્ટ ધારક ઉત્તરપ્રદેશના મેરઠ પાસે રહે છે.

આથી, પી.આઈ. રાજપૂત અને સાથે સર્વેલન્સ ટીમના એ.એસ.આઈ રણજીતસિંહ,પો.કો વિપુલભાઈ એ એક તરફનું 1300 કી.મી નું અંતર કાપી 2 જીલ્લા અને 5 તાલુકા ફેંદી વળ્યાં હતા. અંતે સાઈબર ક્રાઈમના આરોપી સુશીલકુમાર અજીતસિંહ ગુર્જરને ઉત્તરપ્રદેશના મેરઠ નજીક મવાના તાલુકાના મીરપુર ગામેથી હસ્તગત કરી શહેરા પોલીસ મથકે લાવ્યા હતા. જ્યાં તેની પાસેથી ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યુ હતું તે મોબાઈલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે, પોલીસે જવા અને આવવાનું કુલ 2600 કી.મી.નું અંતર કાપી સાઈબર ક્રાઈમના આરોપીને દબોચ્યો હતો.