દાહોદ નગરમાં ગણેશ યુવક મંડળો ગણેશજીના આગમન યાત્રાની તડામાર તૈયારીઓમાં લાગ્યા

ગણેશોત્સવને માંડ હવે પંદર જેટલા દિવસો રહ્યા છે અને દાહોદમાં ભાવિકો ગણેશજીની આગમન યાત્રા માટેની તડામાર તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. આ વર્ષે શ્રીજીની આગમન યાત્રા માટે નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્માર્ટ સીટી દાહોદના રસ્તાઓની અત્યંત જર્જરીત હાલત જોતા ગણેશજીની આગમન યાત્રા ટાણે આગમન યાત્રાના માર્ગમાં પડેલા ઊંડા ઊંડા અસંખ્ય ખાડાઓને કારણે વિઘ્ન સર્જાય તેવી વ્યક્ત કરાતી ઊંડી ઊંડી આશંકાઓને પગલે વિઘ્નહર્તા દુંદાળા દેવની આગામી પહેલી સપ્ટેમ્બરથી શરૂ થનાર શ્રીજીની આગમન યાત્રા પહેલાં યાત્રાના રૂટ પરના નાના મોટા તમામ ખાડાઓ નગરપાલિકા દ્વારા વેઠ ઉતાર્યા વિના વ્યવસ્થિત રીતે પૂરવામાં આવે તેવી બુલંદ લોક માંગ ઉઠવા પામી છે.

દાહોદના રળીયાતી ગણેશ મંડળના આયોજકો ગઈકાલ બુધવારે રાતે શ્રીજીની ભવ્ય મૂર્તિ એક વાહનમાં વ્યવસ્થિત રીતે પધરાવી ગોધરા થી દાહોદ લાવી રહ્યા હતા અને દાહોદમાં ગોધરા રોડ ખાતે વાજતે ગાજતે શ્રીજીની આગમન યાત્રા કાઢવા મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થયા હતા. પરંતુ દાહોદ આવે તે પહેલા જ ખોડીયાર હોટલ નજીક હાઇવે પર શ્રીજીની પવિત્ર મૂર્તિ પધરાવેલ વાહન કોઈ કારણસર હાલક ડોલક થતા શ્રીજીની પવિત્ર મૂર્તિ વાહન માંથી રોડ પર પડતા મૂર્તિ ખંડિત થઈ જતા શ્રીજીની મૂર્તિ લાવનારા ભાવિકો દુ:ખથી વિચલિત થઈ ગયા હતા.

અને સાચા હૃદયથી રડ્યા હતા. આ દુ:ખદ ઘટનાના પગલે શ્રીજી ભક્તોમાં દુ:ખની લાગણી ફેલાવવા પામી હતી. ત્યારે આગામી પહેલી સપ્ટેમ્બરથી દાહોદમાં શ્રીજીની આગમન યાત્રાનો આરંભ અનાર છે ? ભક્તોમાં પણ શ્રીજીની આગમન યાત્રા માટેનો અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે દાહોદના ઊંડા ઊંડા મસ મોટા ખાડાઓ વાળા રાજમાર્ગોની હાલત જોતા શ્રીજીની આગમનયાત્રામાં વિઘ્ન સર્જાવાની પ્રબળ આશંકાઓ નગરજનો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.

કારણકે જનતા ચોકથી લઈને ભગિની સમાજ, એસ.વી.પટેલ રોડ, યાદગાર ચોક, નગરપાલિકા ચોક થઈ પડાવ સુધીના શ્રીજીની આગમન યાત્રાના રૂટ પર ગણ્યા ગણાય નહીં એટલા ઊંડા ઊંડા મસ મોટા અસંખ્ય ખાડાઓ પડેલા છે અને આ રસ્તાના કામો દિવાળી પહેલા હાથ ધરાય તેવી કોઈ શકતાઓ પણ નથી. પરંતુ શ્રીજીની આગમન યાત્રામાં કોઈ વિઘ્ન ના નડે અને ધાર્મિક આસ્થાને કોઈ ઠેસ ન પહોંચે તે માટે શ્રીજીની આગમન યાત્રાના રૂટ પરના તમામ ખાડાઓ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની વેઠ ઉતાર્યા વિના વ્યવસ્થિત રીતે પુરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે. ત્યારે ઓગસ્ટના અંત સુધીમાં શ્રીજીની આગમન યાત્રાના રૂટ પરના મસમોટા ખાડાઓ પુરવા નગરપાલિકા દ્વારા ક્યારે પ્રયાસ હાથ ધરવામાં આવશે તે હવે જોવું રહ્યું !