દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આતંકવાદી સંગઠન અલ કાયદાથી પ્રેરિત આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ મોડ્યુલનો પર્દાફાશ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કર્યો છે.
મળતી માહિતી મુજબ, આ મોડ્યુલનું નેતૃત્વ રાંચીના રહેવાસી ડો. ઈશ્તિયાક કરી રહ્યા હતા. તેઓ ભારતમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા.મળતી માહિતી મુજબ મોડ્યુલના સભ્યોને અલગ-અલગ જગ્યાએ હથિયારોના ઉપયોગની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. રાજસ્થાનના ભિવડીમાંથી હથિયારોની તાલીમ લેતા છ લોકોની અટકાયત કરવામાં આવી છે.
એક એકે-૪૭ રાઈફલ, એક .૩૮ બોરની રિવોલ્વર, .૩૮ બોરના ૬ કારતૂસ, .૩૨ બોરના ૩૦ કારતુસ, એકે-૪૭ના ૩૦ કારતૂસ, એક ડમી ઈન્સાસ, એક એર રાઈફલ, એક લોખંડની એલ્બો પાઇપ, એક હેન્ડ ગ્રેનેડ અને અન્ય ઘણી વસ્તુઓ પુન:પ્રાપ્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત ઝારખંડ અને યુપીના કુલ આઠ શકમંદોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. હાલમાં, વિવિધ સ્થળોએ તપાસ ચાલી રહી છે અને વધારાની ધરપકડની પણ અપેક્ષા છે. ઘણી જગ્યાએથી હથિયારો, દારૂગોળો, સાહિત્ય વગેરે મળી આવ્યા છે.
ઝારખંડ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડએ ગુરુવારે રાજ્યના વિવિધ ભાગોમાં દરોડા પાડ્યા હતા.એટીએસ એ ભારતીય સબ-કોન્ટિનેન્ટમાં અલકાયદા સાથે કથિત રીતે સંકળાયેલા સાત લોકોની અટકાયત કરી છે. તેમણે કહ્યું કે એકયુઆઇએસના સ્લીપર સેલ એજન્ટો વિશે ગુપ્ત માહિતી મળ્યા બાદ વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન રાંચી, હજારીબાગ અને લોહરદગામાં ૧૪ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ અધિક્ષક (એટીએસ) ૠષભ ઝાએ જણાવ્યું કે દરોડા હજુ ચાલુ છે. સંગઠન સાથે કથિત રીતે સંકળાયેલા લગભગ સાત લોકોની અત્યાર સુધીમાં અટકાયત કરવામાં આવી છે. પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. પુરાવાના આધારે ધરપકડ કરવામાં આવશે.