દાહોદમાં યુરિયા ખાતરની કાળાબજારી થતી હોવાનું સામે આવ્યું છે. ખેતી માટે જરૂરી એવા યુરિયા ખાતર લેવા ખેડૂતો ઊંચા ભાવ ચૂકવી રહ્યા છે. દાહોદના ફતેપુરામાં યુરિયા ખાતરની મોટાપાયે કાળાબજારી થતી હોવાનું બાતમીદાર સૂત્રોએ જણાવ્યું. હાલમાં વરસાદની સિઝન ખેડૂતો માટે વધુ મહત્વની છે. ચોમાસામાં મકાઈ અને ડાંગર જેવા અનેક પાકની ખેડૂતો પકવણી કરતા હોય છે. ત્યારે આવા ચોમાસુ પાક માટે યુરિયા ખાતર વધુ મહત્વનું માનવામાં આવે છે. આથી ખેતીની જમીનમાં પાકના સંરક્ષણ માટે ખેડૂતો ઊંચા ભાવે પણ યુરિયા ખાતર ખરીદવા મજબૂર બન્યા છે.
આવા જ એક ભોગ બનેલા ખેડૂતે નામ ના આપવાની શરતે જણાવ્યું કે ચોમાસાની સિઝન ખેડૂતો માટે જીવાદોરી મનાય છે. કારણ કે આ જ સિઝનમાં તેઓ વધુ ખેતી કરતા હોય છે. ખેડૂતોની મજબૂરીનો લાભ લઈ કેટલાક નફાખોરો ખેતી માટે જરૂરી એવા યુરિયા ખાતરમાં ત્રણગણો ભાવ વસૂલે છે. યુરિયાની થેલી દિઠ રૂપિયા ૨૬૬ના બદલે ૬૫૦ વસુલવામાં આવે છે. ખેતી માટે જરૂરી પુરતા પ્રમાણમાં ખાતર પહોંચતું ન હોવાથી ખેડૂતો ઊંચા ભાવે ખાતર ખરીદવા મજબુર બન્યા છે.
હાલ મકાઈ ડાંગર સોયાબીન જેવા પાકોમાં ખાતર ની ખુબ જરૂર છે. ત્યારે વેપારીઓ બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. યુરિયા ખાતરના કિમંત વધારાની અસર ગરીબ આદિવાસી ખેડૂતોને વધુ થાય છે. ગરીબ આદિવાસી ખેડૂતોને વેપારીઓ ખૂલેઆમ લૂંટી રહ્યા છે. સુખસર ના એક વેપારીનો વિડિઓ વાયરલ થયો છે. આ વાયરલ વિડિયોમાં ખેડૂતો પાસે ૬૫૦ રૂપિયા લઈ ખુલ્લી લૂંટ ચલાવતો હોવાનું નજરે પડે છે.