વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા, છોટાઉદેપુરમાં ડબલ મર્ડરની ઘટના બની

છોટાઉદેપુરમાં કવાંટના પીપલદા ગામે ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. વૃદ્ધ દંપતીની તેમના ઘરમાં જ ક્રૂર હત્યા કરી દેવાઈ છે. મહિલાના બંને પગના પંજા કાપી નાખી હત્યા કરાતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

મેટ્રો શહેર બાદ હવે નાના શહેરો, ગામડાઓમાં પણ હત્યા, લૂંટફાટના ગુનાઓ સતત વધવા લાગ્યા છે. છોટાઉદેપુર જીલ્લામાં ક્વાંટ તાલુકાના પીપલદા ગામે ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. વૃદ્ધ દંપતીની ર્તેમના જ ઘરમાં હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ છે. મહિલાના બંને પગના પંજા કાપી કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. તેમજ ગળા, મોઢા સહિત શરીરના ભાગે અસંખ્ય ઘા પણ પોલીસને જોવા મળ્યા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે.

આવી જ ઘટના હિંમતનગરમાં બની હતી. માહિતી મુજબ નિવૃત્ત પોલીસ દંપત્તિની હત્યાથી ચકચાર મચી ગઈ હતી. તીક્ષ્ણ હથિયાર વડે નિવૃત પોલીસ કર્મી અને એમના પત્નીની હત્યા કરી દેવાઈ હતી.. હિંમતનગરના રામનગર સોસાયટીમાં ઘટના બની હતી. અજાણ્યાં શખ્સો દ્વાર તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. મકાનમાં ઘુસી અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. એ ડિવિઝન, એલસીબી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

તો બીજી બાજુ વંથલી તાલુકાના રવની ગામમાં રહેતા રફીકભાઈ સાંધ અને તેમનો પુત્ર જિહાલ સાંધ બંને વાડીએથી પરત ફરતા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેમને રોક્યા હતા. અને બંને પિતા પુત્રને ગોળીઓ મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેથી પોલીસે તાત્કાલિક ધોરણે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી.