
મુંબઇ,
ટી ૨૦ વર્લ્ડ કપ થોડા દિવસ અગાઉ જ પૂરો થયો છે અને હવે વન-ડે વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. દુનિયાની બધી ટીમો આ સમયે અલગ-અલગ સીરિઝ રમી રહી છે. ભારતીય ટીમ પણ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વન-ડે સીરિઝ રમી રહી છે, પરંતુ અહીં ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ખેલાડીઓને સતત મળી રહેલા બ્રેક પર સવાલ પણ ઊભા થાય છે, એવામાં કેટલાક સવાલ પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ ઊભા કર્યા છે. આકાશ ચોપડાએ પોતાની યુટ્યુબ ચેનલ પર વર્કલોડ મેનેજમેન્ટને લઇને એક સવાલનો જવાબ આપ્યો હતો.
તેમણે કહ્યું કે, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડની ટીમ રમી રહી છે અને તેમના રેગ્યુલર કેપ્ટન રમી રહ્યા છે. જો બધી ટીમોના કેપ્ટન રમી રહ્યા છે તો આપણી ટીમ કેપ્ટન કેમ બદલી રહી છે. આકાશ ચોપડાએ કહ્યું કે, ટીમને તૈયાર કરવાની જવાબદારી કેપ્ટનની હોય છે, તમારે ખેલાડીઓને તૈયાર કરવાના હોય, તો પછી કેપ્ટને સાથે હોવું જ જોઇએ. જો વેસ્ટ ઇન્ડીઝ, ઝીમ્બાબ્વે કે ન્યૂઝીલેન્ડમાં તમારો કેપ્ટન છે જ નહીં, તો પછી ટીમને કઇ રીતે તૈયાર કરવામાં આવશે.
પૂર્વ ભારતીય ખેલાડીએ કહ્યું કે, રોહિત શર્મા જ વન-ડે કેપ્ટન રહેશે તો તમારે બ્રેક લેવો હોય તો ઇન્ડિયન પ્રીમિયર લીગ લો, તૈયારીને ખરાબ ન કરો. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમના સીનિયર ખેલાડીઓને ટી 20 વર્લ્ડ કપ બાદ આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્મા સિવાય વિરાટ કોહલી, કે.એલ. રાહુલ, ભુવનેશ્ર્વર કુમાર પણ બ્રેક પર છે. જો માત્ર કેપ્ટન રોહિત શર્માની વાત કરીએ તો તે છેલ્લી કેટલીક વન-ડે સીરિઝનો હિસ્સો જ રહ્યો નથી. શિખર ધવન જ ટીમની કેપ્ટન્સી કરતો દેખાઇ રહ્યો છે.
શિખર ધવનની આગેવાનીમાં ભારતીય ટીમ અત્યારે વન-ડે સીરિઝ રમી રહી છે. પહેલી મેચમાં ભારતીય ટીમને ૭ વિકેટે હાર મળી હતી. અત્યારે આ સીરિઝમાં ન્યૂઝીલેન્ડની ટીમ ૧-૦થી આગળ છે. આજે બીજી વન-ડે મેચ રમાઇ રહી છે. જો આજે ભારતીય ટીમ મેચ જીતવામાં સફળ થાય છે તો ત્રીજી અને અંતિમ વન-ડે નિર્ણાયક સાબિત થશે. પરંતુ એ પહેલા બીજી વન-ડેમાં વરસાદ વિન બની રહ્યો છે. વરસાદના કારણે ૪.૫ ઓવર બાદ જ મેચ રોકવાની ફરજ પડી હતી. સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ ૩૦ નવેમ્બરે રમાશે.