વ્યાજખોરો સામેનુ અભિયાન માત્ર એક બે મહિના માટે નથી, દાનવો સામેની લાંબી લડાઇ છે: ગૃહ રાજ્ય મંત્રી

ગુજરાતમાં વ્યાજખોરોની વિરૂધ્ધ  કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા ટુંકી મુદતના પ્રશ્ર્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં અનેક સામાન્ય, મયમ તથા ગરીબ વર્ગના પરિવારો ઘરનો પ્રસંગ સાચવવા, બાળકોના ભાવી સુરક્ષિત કરવા ઉચ્ચ શિક્ષણ માટે કે સંતાનોને વિદેશ મોકલવા સહિતના કારણોસર ક્યારેક ઉંચા વ્યાજે ધિરાણ લઇ વ્યાજખોરોના ચક્રવ્યુહમાં ફસાઇ જાય છે. વ્યાજખોરોની ચુંગાલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઇવના આયોજન કર્યા હતા. આ અભિયાન માત્ર એક  બે મહિના માટે જ નથી, આ તો દાનવો સામેની લાંબી લડાઇ છે. માણસ જ્યારે વ્યાજના વિષચક્રમાં ફસાઈ જાય છે ત્યારે પોતાના સગા-સબંધી અને મિત્રો અંતર રાખી લે છે, લોકો દૂર ભાગે છે. તેવા સંજોગોમાં નરેન્દ્ર મોદીએ વિવિધ યોજનાઓ હેઠળ લોકોને લોન અપાવી છે. ફક્ત વર્ષ-૨૦૨૩માં જે લોકો વ્યાજખોરીમાં બરબાદ થઈ ગયા છે તેવા લાચાર અસહાય લોકોને મદદ કરવા માટે જુદી જુદી બેંકોની મદદથી રાજ્યના ૩૮ પોલીસ જીલ્લાઓમાં લોન મેળાઓનું આયોજન કરી ૨૧,૯૭૮ લોકોને રૂ.૨૬૨ કરોડની લોન અપાવવાનું ભગીરથ કામ કરવામાં આવ્યુ છે.

સમગ્ર રાજ્યમાં ડ્રાઇવ દરમિયાન યોજાયેલા લોક દરબાર અંગે પુછાયેલા પુરક પ્રશ્ર્નનો પ્રત્યુત્તર આપતા મંત્રીશ્રીએ કહ્યુ કે, રાજ્યના લોકો અને પોલીસ તંત્ર વચ્ચેનું અંતર ઘટે અને મુક્ત મને પોતાની ફરિયાદ પોલીસ અધિકારીઓ અને તંત્ર સામે રજૂ કરે શકે તે માટે લોકદરબારનું આયોજન કરવામાં આવે છે. વ્યાજના ધંધા સાથે સંકળાયેલા લોકોથી નાગરિકો નિર્ભય બનીને ફરીયાદ કરવા આગળ આવે અને તેમને સરકારની ધિરાણની અન્ય યોજનાઓ વિશે માહિતી મળે તે ઉદ્દેશ સાથે આ કાર્યક્રમો યોજાય છે. તા.૨૧/૦૬/૨૦૨૪ થી તા.૩૧/૦૭/૨૦૨૪ સુધીની વ્યાજખોરો વિરૂધની ઝુંબેશ દરમ્યાન સમગ્ર રાજ્યમાં કુલ-૧૬૪૮ લોકદરબારો યોજવામાં આવ્યા હતા. જેમાં ૭૪,૮૪૮ લોકો હાજર રહ્યા હતા.