ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસસ્થાને મળેલી બેઠકમાં વિધાનસભા પેટાચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સરકાર, સંગઠન અને સંઘ ત્રણેયના આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે ૧૦ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ મોટી ભૂમિકા ભજવશે. હવેથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની સહયોગી સંસ્થાઓના કાર્યકરો ગામડે ગામડે જઈને મતદારો સાથે ઘરે-ઘરે વાત કરશે.
બેઠકમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, અનામત અને બંધારણને લઈને વિપક્ષે લોક્સભાની ચૂંટણીમાં મતદારોમાં જે મૂંઝવણ ફેલાવી છે તેને દૂર કરવી ખૂબ જ જરૂરી છે. સંઘના કાર્યકરો મતદારો સુધી સત્ય પહોંચાડવામાં વ્યસ્ત રહેશે. બેઠકમાં એવી પણ ચર્ચા થઈ હતી કે અન્ય પક્ષોના લોકોને મોટા હોદ્દા આપવાથી પાર્ટીમાં નારાજગી છે. આ નારાજગીને દૂર કરવા માટે પાર્ટી અને સંઘના જૂના કાર્યર્ક્તાઓ પર વિશેષ યાન આપવામાં આવશે અને તેમને નિગમ અને કમિશનમાં અગ્રતા સ્થાન આપવામાં આવશે.
વાસ્તવમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘરે એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ઉત્તર પ્રદેશના વિકાસ અને ચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સંઘના વરિષ્ઠ અધિકારીઓ, ભાજપના પ્રદેશ અયક્ષ, સંગઠન મહાસચિવ, બંને નાયબ મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં ભાજપના જૂના કાર્યકરોને કોર્પોરેશન કમિશન અને બોર્ડમાં સ્થાન આપવા અંગે ચર્ચા થઈ હતી. પેટાચૂંટણીમાં કેવી રીતે સારું પ્રદર્શન કરવું, કોણ વધુ સારા ઉમેદવાર બની શકે, ભાજપના સભ્યપદ અભિયાનને કેવી રીતે વેગવંતુ બનાવવું જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં ભાજપના આગામી કાર્યક્રમો અને વિવિધ મુદ્દે સંગઠન અને સરકાર વચ્ચે સંકલન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
અગાઉ ઉત્તર પ્રદેશમાં આરએસએસ, સંગઠન અને સરકાર વચ્ચે લગભગ દર એક કે બે મહિને સંકલન બેઠક થતી હતી. પરંતુ લાંબા ગાળામાં આવી બેઠકો ઘણી ઓછી થઈ છે. આ બેઠકોમાં જમીની વાસ્તવિક્તા ઘણી હદ સુધી બહાર આવી હતી અને સરકારે ખામીઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે લોક્સભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનનું એક મોટું કારણ સંઘ, સંગઠન અને યોગી સરકાર વચ્ચે તાલમેલનો અભાવ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આજની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આવી બેઠકોનો રાઉન્ડ ફરી એકવાર શરૂ થશે. જનતામાં ભાજપ અને યોગી સરકારની છબી સુધારવા માટે સંઘ પણ એકત્ર થશે. ભાજપનું સદસ્યતા અભિયાન હોય કે પાર્ટીનો અન્ય કોઈ કાર્યક્રમ હોય, સંઘને પણ તેમાં સામેલ કરવામાં આવશે, જેમ કે અગાઉ થતું હતું.