બોલિવૂડની ફિલ્મોમાં ભારતની ખોટી છબિ દર્શાવવામાં આવે છે: નેશનલ એવોર્ડ વિનર એકટર ૠષભ શેટ્ટી

ફિલ્મ ’કાંતારા’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર ૠષભ શેટ્ટીએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સામે એવી વાત કરી કે, જે સાંભળીને ઈન્ડસ્ટ્રીના લોકોને ચોક્કસથી ખરાબ લાગશે. ૠષભે માત્ર બોલિવૂડની ફિલ્મો પર જ સવાલો ઉઠાવ્યા નથી પરંતુ મોટા પડદા પર ભારતની છબિ જે રીતે બતાવવામાં આવે છે તેના પર નિવેદનો પણ આપ્યું છે. જાણો ૠષભે એવું શું કહ્યું કે, તેનું નિવેદન સોશિયલ મીડિયામાં આગ લગાવી રહ્યું છે.

કન્નડ અભિનેતા અને ફિલ્મ નિર્માતા ૠષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા’ને લોકોનો ઘણો પ્રેમ મળ્યો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું અને ઘણા લોકો માટે આશ્ર્ચર્યજનક હતું. આ ફિલ્મ માટે ૠષભને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. આ દિવસોમાં ૠષભ તેની આગામી ફિલ્મ ’લાફિંગ બુદ્ધા’નું જોરદાર પ્રમોશન કરી રહ્યો છે. હાલમાં જ તેણે એક ઈન્ટરવ્યુ આપ્યું હતું. આ ઈન્ટરવ્યુ દરમિયાન તેણે હિન્દી ફિલ્મો વિશે કંઈક એવું કહ્યું જે ઘણા લોકોને ખરાબ લાગી શકે છે.

ૠષભ શેટ્ટીએ હિન્દી અને બોલિવૂડ ફિલ્મોમાં રજૂ કરવામાં આવેલી ભારતની નકારાત્મક છબિ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. અભિનેતાએ કહ્યું- ’ભારતીય ફિલ્મો, ખાસ કરીને બોલિવૂડ, ભારતને ખરાબ રીતે બતાવે છે. આ ફિલ્મો માટે વૈશ્ર્વિક કાર્યક્રમો યોજાય છે અને લોકો રેડ કાર્પેટ પર પહોંચે છે. મારો દેશ, મારું રાજ્ય, મારી ભાષા – મારું ગૌરવ. શા માટે તેને વૈશ્ર્વિક સ્તરે સકારાત્મક રીતે રજૂ કરવામાં નથી આવતું, અને તે જ હું કરવાનો પ્રયાસ કરું છું.

’કાંતારા’ હિટ થયા બાદ હવે ૠષભ શેટ્ટી તેનો બીજો ભાગ એટલે કે ’કાંતારા ૨’ લાવવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ વર્ષ ૨૦૨૫માં થિયેટર્સમાં આવી શકે છે. એક રિપોર્ટ અનુસાર, ફિલ્મનું ચોથું શૂટિંગ શેડ્યૂલ ઓગસ્ટના અંતમાં શરૂ થશે. આ ફિલ્મમાં ફરી એકવાર ૠષભ લીડ રોલમાં હશે. અને ફિલ્મના ડાયરેક્શનની જવાબદારી સંભાળશે, અજનેશ લોકનાથ તેનું સંગીત આપશે.