બંગાળી એક્ટર સમ્રાટ મુખર્જીની અકસ્માત કેસમાં ધરપકડ કરાઇ

ઈન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જી અને કાજોલના પિતરાઈ ભાઈ સમ્રાટ મુખર્જીની કોલકાતા પોલીસે અકસ્માત કેસમાં ધરપકડ કરી છે. હવે અભિનેતાએ પોતે આગળ આવીને આ મામલે સ્પષ્ટતા કરી છે. સમ્રાટે કહ્યું- ’હું લોકોને કહી કહીને થાકી ગયો છું. મારો કોઈ અકસ્માત થયો નથી. જે અકસ્માતનો ભોગ બન્યો તે સમ્રાટ મુખર્જી નામનો અન્ય બંગાળી અભિનેતા છે, જે કોલકાતામાં રહે છે. હું મુંબઈમાં મારા પરિવાર સાથે બિલકુલ સુરક્ષિત છું.

હકીક્તમાં, મંગળવારે દક્ષિણ-પશ્ર્ચિમ કોલકાતાના બેહાલા વિસ્તારમાં સમ્રાટ મુખર્જી નામના બંગાળી અભિનેતાની કાર એક મોટરસાઇકલ સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ ૨૯ વર્ષીય બાઇક સવારને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. કાર ચલાવી રહેલા સમ્રાટ મુખર્જીની પોલીસે ધરપકડ કરી હતી. આ પછી, સમાન નામના કારણે, એવી ગેરસમજ હતી કે જે અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી તે કાજોલ અને રાની મુખર્જીના ભાઈ સમ્રાટ હતા.

અકસ્માત અંગે એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં બાઇક સવારે કહ્યું, ’હું રાત્રે લગભગ સાડા બાર વાગ્યે ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે સામેથી એક ઝડપે આવતી કારે મને ટક્કર મારી. આ પછી હું બેભાન થઈ ગયો. ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે સમ્રાટે તેની કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ટક્કર થઈ હતી. મોટરસાઈકલ સાથે અથડાયા બાદ તેની કાર નજીકના ઘર સાથે પણ અથડાઈ હતી.

રાની અને કાજોલના ભાઈ સમ્રાટ મુખર્જી વિશે વાત કરીએ તો તે હિન્દી ફિલ્મના જાણીતા અભિનેતા છે. તે વિશાલ ભારદ્વાજની ’ધ બ્લુ અમ્બ્રેલા’ અને આશુતોષ ગોવારીકરની ’ખેલે હમ જી જાન સે’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે.૫૪ વર્ષીય સમ્રાટે ’રામ ઔર શ્યામ’, ’ભાઈ ભાઈ’, ’જંજીર’, ’સિકંદર સડક કા’ અને ’હમ હૈ રાહી કાર કે’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે ’તપેશ્યા’, ’કાકા નંબર ૧’ અને ’આકાશ કુસુમ’ જેવા બંગાળી ટીવી શોનો પણ ભાગ હતો.