ભારત ક્રાઇસ્ટચર્ચમાં સિરીઝ બચાવવા મેદાનમાં ઉતરશે , શિખર ધવને ખાસ રણનીતિ બનાવી

ક્રાઇસ્ટચર્ચ,

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ બુધવારે ભારતીય સમયાનુસાર સવારે ૭ કલાકે ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની વનડે સિરીઝમાં ૧-૧થી બરોબરી કરવા માટે તે દુવા કરવી પડશે કે મેચમાં વરસાદનું વિધ્ન આવે નહીં. ક્રાઇસ્ટચર્ચમાં વરસાદનું અનુમાન છે અને જો વરસાદ પડશે તો ભારતીય ટીમના યુવા ક્રિકેટરો માટે નિરાશાજનક સમાચાર હશે. સીમિત ઓવરોની પાંચ મેચોમાંથી એક વનડે અને એક ટી૨૦ મેચનું પરિણામ આવ્યું નહીં અને એક ટી૨૦ મેચ વરસાદને કારણે ડ્ઢન્જી ના આધાર પર ટાઈ થઈ હતી. શિખર ધવનની ટીમ અંતિમ વનડે મેચ જીતીને સિરીઝ બરાબર કરવા ઈચ્છશે. ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલ મેદાનમાં પરંપરાગત રીતે ફાસ્ટ બોલરોને મદદ મળે છે અને અહીં પાછલા કેટલાક વર્ષોમાં એવરેજ સ્કોર ૨૩૦ રહ્યો છે.

પહેલા પાવરપ્લે (પ્રથમ ૧૦ ઓવર) માં ભારતીય બેટિંગ ચર્ચાનો વિષય રહી છે. વનડે ક્રિકેટમાં શાનદાર ઓપનિંગ બેટર ધવન ખુદ સમજે છે કે આગામી વર્ષે ભારતમાં રમાનાર વનડે વિશ્ર્વકપ માટે ટીમમાં જગ્યા નક્કી કરવા તેણે સારૂ પ્રદર્શન કરવું પડશે.

યુવા ઓપનિંગ બેટર શુભમન ગિલે બે મેચોમાં ૫૦ અને અણનમ ૪૫ રન બનાવ્યા છે. ભારતીય ક્રિકેટના વર્તમાન સુપરસ્ટાર સૂર્યકુમાર યાદવે સેડોન પાર્ક પર ૧૨.૩ ઓવરની રમતમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ભારતે મોટો સ્કોર બનાવવો છે તો સૂર્યા અને રિષભ પંત જેવા બેટરોએ સારૂ પ્રદર્શન કરવું પડશે. રિષભ પંતનો વનડેમાં રેકોર્ડ સારો રહ્યો છે, પરંતુ ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ તે રન બનાવી શક્યો નથી. ન્યૂઝીલેન્ડના બોલરોની સામે મયક્રમને સ્થિરતા આપવા માટે તેના બેટથી રન નિકળવા જરૂરી છે. પંતને અંતિમ ઇલેવનમાં તક આપવાનો અર્થ છે કે સંજૂ સેમસને ફરી બેંચ પર સમય પસાર કરવો પડશે.

પાછલી મેચમાં શિખર ધવને સંજૂને બહાર કરીને દીપક હુડ્ડાને તક આપી હતી. બીજી વનડે વરસાદને કારણે રદ્દ થયા બાદ હવે તે જોવાનું રહેશે કે અંતરિમ મુખ્ય કોચ વીવીએસ લક્ષ્મણ પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરે છે કે નહીં. સ્પિનર કુલદીપ યાદવને પણ હજુ સુધી તક મળી નથી. પ્રથમ બંને મેચમાં ભારતીય ટીમ યુઝવેન્દ્ર ચહલ અને વોશિંગટન સુંદર સાથે મેદાનમાં ઉતરી હતી.