રાજયસભામાં પ્રથમવાર એનડીએ ની બહુમતી: તમામ ૧૨ ઉમેદવાર બિનહરીફ થશે

લોક્સભાની ચૂંટણીમાં ભાજપ્ને એકલા હાથે બહુમતી મળી ન હોવા છતાં એનડીએની બહુમતીથી સરકાર બની હતી. હવે રાજયસભામાં પણ એનડીએને બહુમતી મળી જવાના સંજોગો છે. રાજયસભાની ૧૨ બેઠકોની ચુંટણીમાં તમામ ઉમેદવારો બીનહરીફ થવાના સંકેત છે. વિધિવત પરિણામ જાહેર થયા બાદ એનડીએની સભ્ય સંખ્યા ૧૧૯ થવા સાથે બહુમતી હાંસલ થઈ જશે.દેશના ૯ રાજયોની રાજયસભાની ૧૨ બેઠકો માટે જાહેર થયેલી ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તમામ બેઠકો પર એક-એક ઉમેદવારે જ ઉમેદવારી નોંધાવી હતી.

કોઈ પ્રતિસ્પર્ધી ન રહેતા તમામ બેઠકો બીનહરીફ થવાનુ નિશ્ર્ચિત છે. ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૨૭ ઓગષ્ટ છે ત્યારબાદ ચુંટણીપંચ પરિણામ જાહેર કરીને વિજેતા ઉમેદવારોની ઘોષણા કરશે. આ સાથે રાજયસભામાં એનડીએની બહુમતી થઈ જશે.

હરિયાણાની એક બેઠક પર કોંગ્રેસે પણ ઉમેદવાર ઉભા રાખવાની વિચારણા કરી હતી પરંતુ છેલ્લી ઘડીએ માંડી વાળતા હવે માત્ર ભાજપ્ના ઉમેદવાર કિરણ ચૌધરી જ મેદાનમાં છે. આ સિવાય રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, ઓડીશા તથા ત્રિપુરાની એક-એક બેઠક પર પણ એક જ ફોર્મ ભરાયા હતા. બિહાર, આસામ, મહારાષ્ટ્રમાં બે-બે ઉમેદવારો છે જયાં બે-બે બેઠકોની ચુંટણી છે. આજે ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ વિધિવત પરિણામ ૨૭મીએ ઘોષિત થશે.

ચૂંટણીપંચ દ્વારા સતાવાર પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ઉપલાગૃહ (રાજયસભા)માં પ્રથમ વખત એનડીએની બહુમતી થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયસભામાં હાલ ૨૦ બેઠકો ખાલી છે. ૧૨ બેઠકોની ચુંટણી બાદ કુલ સભ્ય સંખ્યા ૨૩૭ થશે.

ભાજપી સભ્યસંખ્યા ૮૭થી વધીને ૯૭ અને એનડીએની ૧૧૯ની થઈ જશે. વર્તમાન ૨૩૭ સભ્યસંખ્યા ધરાવતી રાજયસભામાં ૧૧૯નો આંકડો બહુમતી માટે પુરતો છે. વર્તમાન ૧૨માંથી ૧૧ બેઠકો એનડીએના ફાળે જશે.

રાજયસભાની આ ચૂંટણીમાં કોંગ્રેસને નુક્સાન છે. રાજયસભાના સભ્ય કે.સી.વેણુગોપાલ લોક્સભામાં ચુંટાયા છે. આ જ રીતે બિહારના આરજેડીના મીસા ભારતી તથા દિપેન્દ્ર હુડ્ડા લોક્સભામાં ચુંટાયા હતા. આ રાજયોની વિધાનસભામાં સંખ્યાબળના આધારે ભાજપને લાભ છે. આ સ્થિતિમાં ભાજપને ત્રણ બેઠકોનો ફાયદો થયો છે.