
અદાણીના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કોંગ્રેસે સવાલ કર્યો હતો કે પીએમના ગાઢ મિત્રનું અદાણી ગ્રુપ એક પછી બીજી કંપનીઓ ખરીદીને મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં ઇજારાશાહી ઊભી કરે છે અને ગ્રાહકોના ભોગે ભાવવધારો કરે છે ત્યારે ભારતીય સ્પર્ધા પંચ શા માટે નિષ્ક્રીય બની જાય છે.
કોંગ્રેસના જનરલ સેક્રેટરી ઈન્ચાર્જ કોમ્યુનિકેશન્સ જયરામ રમેશે જણાવ્યું હતું કે ભારતીય સ્પર્ધા પંચે રિલાયન્સ-ડિઝનીના સૂચિત મર્જરથી સ્પર્ધામાં ઘટાડો થશે તેવી ચિંતા વ્યક્ત કરી છે. વડાપ્રધાનના અન્ય ફેવરિટ બિઝનેસ ગ્રૂપની કંપનીઓ એકપછી બીજી કંપનીઓને હસ્તગત કરીને વિવિધ ઉદ્યોગોમાં સ્પર્ધામાં ઘટાડો કરી રહ્યા છે તે અંગે વિચારણા કરવાની હિંમત દાખવવાનો સીસીઆઇ માટે આ યોગ્ય સમય છે.
ચોક્કસ મર્યાદા કરતાં વધુના તમામ મર્જર અને એક્વિઝિશન માટે કાનૂની રીતે સીસીઆઇની મંજૂરી જરૂરી છે. આમ છતાં અદાણી ગ્રૂપના તમામ એક્વિઝિશનને મંજૂરી આપવામાં આવી છે અને ગ્રુપે ધાકધમકી અને બળજબરીપૂર્વક બંદરો, એરપોર્ટ્સ, પાવર અને સિમેન્ટ જેવા ક્ષેત્રોમાં ઈજારાશાહી બનાવી છે, જેને સત્તાનું સમર્થન છે. તાજેતરના વર્ષોમાં સીસીઆઈએ વર્ચસ્વના કથિત દુરુપયોગ માટે ઘણી સ્થાનિક અને વૈશ્ર્વિક કંપનીઓને પેનલ્ટી ફટકારી છે.
આમ છતાં કેન્દ્ર સરકારે લખનૌ અને મેંગલોર એરપોર્ટ પર મુસાફરો પરના યુઝર ડેવલપમેન્ટ ફીમાં પાંચ ગણો વધારો કરવા સરકારે મંજૂરી આપી હતી. કંપનીની તરફેણમાં નિયમોમાં ફેરફાર કરીને અદાણીને લખનૌ અને મેંગલોર સહિતના છ એરપોર્ટ આપવામાં આવ્યાં હતાં. તેવી જ રીતે અદાણી ગ્રુપની નીતિઓ અને પગલાંને કારણે હરિયાણા, ઝારખંડ અને ગુજરાત જેવા રાજ્યોમાં વીજળીના ભાવમાં તીવ્ર વધારો થયો છે. રમેશે સવાલ કર્યા હતા કે વડાપ્રધાનના ગાઢ મિત્ર સંબંધિત ટ્રાન્ઝેક્શનનો મામલો આવે છે ત્યારે સેબી સહિતની નિયમનકારી સસ્થાઓ કેમ અદ્રશ્ય થઈ જાય છે. પીએમના આ મિત્રે મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં મોનોપોલી ઊભી કરી છે.
હિન્ડેનબર્ગે સેબીના અયક્ષ માધબી પૂરી બૂચ વિરુદ્ધ કરેલાં આક્ષેપો વચ્ચે વધુ એક મામલે તેમની કામગીરી સામે શંકાની સોય તકાઈ છે. સેબીના અયક્ષ બન્યાં અગાઉ માધબી પૂરી બુચે સ્થાપેલી એક કન્સલ્ટન્સી કંપનીનું રજિસ્ટર્ડ સરનામું અને તેમના સત્તાવાર ઓડિટરની ઓફિસનું સરનામું એક જ હોવાનો દાવો અહેવાલમાં કરાયો છે. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના દસ્તાવેજોને ટાંકીને જણાવાયું છે કે, અગોરા એડવાઈઝરી પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની ના બે ડિરેક્ટરો પૈકીના એક માધબી બૂચ હતાં. આ કંપનીનું અને તેમનું ઓડિટ કરનાર શાહ એન્ડ સાવલા એલએલપીનું સરનામું એક જ છે.