બાલાસિનોરના બે ભાઇએ ફાયનાન્સ કંપની સાથે 17 લાખની છેતરપિંડી આચરી

  • વિરપુર તાલુકાના લોન ધારકોના નાણા કંપનીમાં જમા કરાવવાના બદલે બારોબાર વાપરી નાંખ્યા.
  • બે ભાઈઓ વિરૂદ્ધ વિરપુર પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી ફરીયાદ નોંધાઈ.

મહિસાગર જીલ્લાના બાલાસિનોરના બે પિતરાઇ ભાઇએ ફાયનાન્સ કંપનીની એજન્સી લીધા બાદ લોન ધારકો પાસેથી ઉઘરાણી શરૂ કરી હતી. તેઓએ લોન ધારકોને મોટી લોન આપવાની લાલચ આપી આગલી લોનના નાણા લીધા બાદ કંપનીમાં જમા કરાવવાના બદલે બારોબાર વાપરી નાંખ્યાં હતાં. આ અંગે કંપનીએ તપાસ કરતાં 15 ગ્રાહકો પાસેથી 17 લાખ લીધા હોવાનું ખુલ્યું હતું. આ અંગે વિરપુર પોલીસે બન્ને ભાઇ સામે ગુનો નોંધ્યો હતો.

નડિયાદના કપડવંજ રોડ પર આવેલી વિજય લક્ષ્મી સોસાયટીમાં રહેતા નિમેષકુમાર શાંતિલાલ ચૌહાણ બજાજ ફાયનાન્સ લીમીટેડમાં આરસીયુડી પાર્ટમેન્ટમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની એક બ્રાંચ વિરપુર ખાતે આવેલી છે. કંપની દ્વારા 14મી ફેબ્રુઆરી,2020થી 17મી ફેબ્રુઆરી, 2023ના રોજ રી-એગ્રીમેન્ટ કરી બ્રિજેશ જેઠાભાઈ પંચાલને કેશવ કોમ્પ્લેક્સ વિરપુર ખાતે ક્વીક એન્ટરપ્રાઇઝ નામની એજન્સી (ઓથોરાઇઝ સેલ્સ સર્વિસ સેન્ટર) આપવામાં આવ્યું હતું.

આ ક્વીક એન્ટર પ્રાઇઝ એજન્સીનું સંચાલન મિતેશ શાંતિલાલ પંચાલ (રહે. વાળીયાવાડ ફળીયું, પાંડવા, તા. બાલાસિનોર) કે જે એજન્સી ધારકના પિતરાઇ ભાઇ થાય છે. નિમેષકુમારે 14મી ફેબ્રુઆરી,2020થી કંપની દ્વારા વિરપુર ખાતે આવેલી એજન્સીને જુના ગ્રાહકોનું લીસ્ટ આપી તેઓને ફરીથી લોનની જરૂર હોય તો અરજી કરવા માટે જણાવવામાં આવતું હતું. બાદમાં મિતેશ પંચાલે બજાજ ફાયનાન્સ કંપનીના જુના ગ્રાહકોને જુની પર્સનલ લોન ભરી દેશો તો તમને નવી મોટી રકમની લોન કરાવી આપીશ, તેવો વિશ્વાસ આપતાં હતાં.

જેથી ઘણા ગ્રાહકોએ તેની જુની પર્સનલ લોન ચુકવવા માટે મિતેશને ઓનલાઇન તેમજ રોકડેથી નાણા ચુકવ્યાં હતાં પરંતુ તેઓને કંપની દ્વારા લોનના હપ્તા બાકી હોવાનું જણાવવામાં આવતાં તેમને જાણ થઇ કે મિતેશે તેના નાણા ફાયનાન્સની પર્સનલ લોન ખાતામાં જમા કરાવવાના બદલે તેમના અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યાં હતાં. આ અંગે તપાસ કરતાં કુલ 15 ખાતેદારના રૂ.17,08,381 ની ઉચાપત કરી હતી. આ અંગે નિમેષ ચૌહાણે વિરપુર પોલીસ મથકે બ્રિજેશ જેઠા પંચાલ (રહે. જનોડ) અને મિતેષ શાંતિલાલ પંચાલ (રહે. પાંડવા) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.