દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના વાવડી ગામે બે મોટરસાઈકલ સામસામે ધડાકાભેર અથડાતા મોટરસાઈકલ પર સવાર ત્રણ વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવતાં જ્યાં ત્રણ પૈકી એકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.21મી ઓગષ્ટના રોજ ફતેપુરાના કરમેલ ગામે સુથાર ફળિયામાં રહેતાં રાજેન્દ્રભાઈ અંબાલાલ પારગી તથા તેમની સાથે રાજેશભાઈ તથા પ્રતાપભાઈ એક મોટરસાઈકલ પર સવાર થઈ ફતેપુરાના વાવડી ગામે નિનામા ફળિયા માંથી પસાર થતાં રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતા તે સમયે એક મોટર સાઈકલના ચાલકે પોતાના કબજાની મોટર સાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રાજેન્દ્રભાઈની મોટરસાઈકલ સાથે ધડાકાભેર અથડાવતાં ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ મોટર સાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતાં. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની લઈ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગંભીર ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા મારફતે નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવતાં જ્યાં રાજેન્દ્રભાઈને હોસ્પિટલના તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં.
આ સંબંધે ઉમેશભાઈ અંબાલાલ પરગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.