દાહોદ જીલ્લામાં બિનખેતીની 176 હુકમની યાદી સાથે સર્વે નંબરની જમીનમાં દસ્તાવેજ ન કરવાના આદેશથી ખળભળાટ

સુરતના ડુમ્મસની રૂપિયા 2000 કરોડ ની જમીન ખાનગી વ્યક્તિના નામે કરનાર આઈએએસ અધિકારી આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા હતા. જે બાદ સમગ્ર રાજ્યમાં સરકારના મહેસુલ વિભાગ દ્વારા તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત દાહોદ જીલ્લામાં અનેક કિસ્સાઓ સામે આવ્યા હોવાનું જાણવા મળે છે. જેને લઈને દાહોદના નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી દ્વારા સબ રજીસ્ટ્રારને એક પત્ર લખવામાં આવ્યો છે. જેની સાથે દિન ખેતીના 176 હુકમની યાદી આપવામાં આવી છે. જેને લઇને સમગ્ર જીલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

દાહોદના પ્રાંત અધિકારીના હુકમથી ખળભળાટ મચી ગયો છે. પ્રાંત અધિકારી દાહોદ દ્વારા દાહોદના સબ રજીસ્ટ્રારને એક પત્ર લખવામાં આવ્યો છે. જે પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે, જીલ્લામાં બિનખેતીના બોગસ હુકમની તપાસ ચાલી રહી છે, જે તપાસ દરમિયાન અનેક સર્વે નંબર સામે આવ્યા છે. જેથી તે તમામ સર્વે નંબરના દસ્તાવેજ ન કરવા માટે આદેશ કરાયો છે. પ્રાંત અધિકારીએ લખેલા પત્ર સાથે 176 સરવે નંબરની યાદી સામેલ કરાઈ છે.

જેમાં દાહોદ, રળીયાતી, નગરાળા, ભંભોરી, દેલસર, છાપરી, ગરબાડા, કતવારા, ટાંડા, ઝાલોદ, લીલર, ગમલા, હિમાલા, ઉકરડી, નસીરપુર, ચંદવાણા, રામપુરા, સાકરદા, મંડાવાવ, બોરવાણી તેમજ ખરોડ ગામની જમીનના સરવે નંબરનો સમાવેશ થાય છે. યાદીમાં સૌથી વધારે સર્વે નંબર દાહોદ કસબાના હોવાનું સામે આવ્યું છે. જોકે આ સમગ્ર તપાસમાં કલેકટર કક્ષાથી લઈ કારકુન સુધીના અધિકારી અને કર્મચારીના નામ ખુલશે તેવી શક્યતાઓ હાલ સેવાઇ રહી છે.

ત્યારે જો તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો રાજ્યનો જ નહીં દેશનો પહેલો કિસ્સો બનશે. જેમાં જમીન કૌભાંડમાં એક સાથે મોટી સંખ્યાના અધિકારી સામે પગલાં લેવાયા હોય. જોકે, તપાસમાં અનેક ના નામ ખુલશે તે નક્કી છે.176 સરવે નંબરના બોગસ બિનખેતી હુકમ તેમજ દસ્તાવેજ નોંધણી ન કરવાના આદેશ આપતો દાહોદના પ્રાંત અધિકારીએ સબ રજીસ્ટારને લખેલ પત્રને લઈને જીલ્લા તથા જીલ્લા બહારના ભૂ માફીઆઓની સાથે સાથે કૌભાંડ આચારનારા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.