કાલોલ પંથકમાં શ્રાવણીયા જુગાર સામે પોલીસની નક્કર કાર્યવાહી : ચાર અલગ અલગ જગ્યાએથી 14 જુગારીઓ ઝડપાયા

કાલોલ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઇ આર.ડી ભરવાડ ની નિમણૂક બાદ કાલોલ નગરમાં અને તાલુકામાં શ્રાવણીયા જુગાર સામે નક્કર કાર્યવાહી કરી જાણે પત્તા પ્રેમીઓ ઉપર ધોંસ બોલાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. વાત કરીએ તો છેલ્લા બે સપ્તાહ દરમિયાન અલગ અલગ જુગારની રેડ કરીને મોટી માત્રામાં જુગારના કેસ શોધી કાઢી અંદાજીત પચાસથી વધુ જુગારીઓ પોલીસની ઝપટમાં આવી ગયા છે.

ત્યારે ખુણે ખોતરે શ્રાવણીયો જુગાર રમતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે કાલોલ પોલીસ સ્ટેશનના ચોપડે નોધાયલ વિગત અનુસાર કાલોલ પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે કાલોલ તળાવની પાળ પાસે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટ ના અજવાળે કેટલાક ઈસમો પૈસા વડે જુગાર રમી રમાડે છે.

જે આધારે રેડ કરતા પાંચ ઈસમો જુગાર રમતા ઝડપી પાડી તેઓની અંગ જડતી માંથી અને દાવ પરના કુલ રૂપિયા 10420/ ઝડપી પાડ્યા હતા. જ્યારે બીજા બનાવમાં પોલીસે બાતમી આધારે કાલોલ નગરપાલિકાની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણને ઝડપી પાડી તેઓની અંગજડતી માંથી અને દાવ પરના કુલ મળી રૂા. 1810/નો મુદ્દામાલ કબજે કર્યો આમ, એક જ દિવસમાં બે રેડ કરી રૂા. 12,230/ રોકડા અને પાના પત્તાની કેટ તેમજ કુલ આંઠ ઈસમોને ઝડપી પાડી તેઓની સામે જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

જ્યારે તાલુકાના બાકરોલ ગામે બે અલગ-અલગ દરોડામાં પોલીસ સ્ટાફ ને મળેલ બાતમી આધારે બાકરોલ ગામના મોટા ફળિયામાં ખુલ્લી જગ્યામાં રેડમાં પોલીસે ગોળ કુંડાળું કરી પાના પત્તાનો હાર જીતનો જુગાર રમતા ત્રણને ઝડપી રૂા. 3610 કબજે કર્યા હતા. જયારે બીજા બનાવમાં પોલીસે બાકરોલ ગામની દૂધ ડેરી પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી આધારે રેડ કરતા જુગાર રમતા ઈસમો નાસવા લાગેલા પોલીસે ત્રણને ઝડપી રૂા. 2470નો મુદ્દામાલ કબજે કર્યો. આમ, પોલીસે બે અલગ અલગ રેડ કરી કુલ રૂા. 6080 સહિત કુલ 6 ઇસમોની અટકાયત કરી જુગાર ધારા હેઠળ બે ગુના દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.