ગોધરા મહિલા અધિકાર મંચ દ્વારા સરકારી કચેરીમાં ફરજ બજાવતી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા કલેકટરને આવેદન

ગોધરામાં મહિલા અધિકાર મંચ દ્વારા ગુજરાત રાજ્યની સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા મામલે પંચમહાલ જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

કલકત્તામાં નોકરીના સ્થળે જ હોસ્પિટલમા એક મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની દુખદ ઘટના બની છે. જે ખુબ જ શરમજનક છે. ગુજરાતમા પણ કેટલીક કચેરીમાં મહિલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે. ત્યારે કલકત્તા જેવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમા ન થાય તેમજ મહિલા કર્મચારીઓ બેખોફ બની નોકરી કરી શકે એ માટે યોગ્ય કાર્યવાહી કરવા આજે મહિલા અધિકાર મંચ દ્વારા ગોધરા ખાતે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

મહિલા અધિકાર મંચના મુખ્ય ક્ધવીનર ડો મિતાલીબેન સમોવાએ જણાવ્યું હતું કે સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં નોકરી કરતા મહિલા કર્મચારીઓની સુરક્ષા બાબતે ગુજરાત સરકાર જરા પણ ગંભીર નથી. અગાઉ સુરેન્દ્રનગર જીલ્લામાં મેડીકલ ઓફિસરના ત્રાસથી મહિલા આરોગ્ય કર્મચારીએ આપઘાત કર્યો હતો એવી જ ઘટના નવસારીમાં પણ બની હતી. આણંદ જીલ્લામાં પણ આ પ્રકાર ની ઘટનાઓ બની હતી.

આમ સરકારના મહિલા સુરક્ષા બાબતે ઢીલા વલણના કારણે તેમજ દુર્ઘટના બાદ જ ઉંઘ માંથી જાગવાની ગુજરાત સરકારની વૃત્તિના કારણે કલકત્તા જેવી ઘટના ગુજરાતમાં પણ બને એમ હોઈ મહિલા અધિકાર મંચ દ્વારા દરેક સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં સીસીટીવી લગાવવામાં આવે તેમજ મહિલા કર્મચારીઓને માનસિક અને શારીરિક ત્રાસ આપનાર અધિકારી કે કર્મચારીને નોકરી માંથી કાઢી મુકી ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે એ મુખ્ય માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપવાની સાથે જો સરકાર દ્વારા માગણી અવગણવામાં આવશે તો મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત સરકાર વિરૂદ્ધ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ડો.મિતાલીબેન સમોવાએ ઉચ્ચારી હતી.