જીમમાં ક્સરત કરતા એમબીબીએસમાં અભ્યાસ કરતા યુવાનનું મોત, પરિવાર શોકમાં ગરકાવ

જામનગરમાં એક યુવાનનું ક્સરત કરતા નિપજયું મોત આ યુવાન જીમમાં ક્સરત કરતો હતો ત્યારે અચાનક ઢળી પડ્યો. જીમમાં રહેલ લોકો તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. જયાં ડોક્ટરોએ યુવાનને મૃત જાહેર કર્યો. આ યુવાન ફક્ત ૧૯ વર્ષનો છે અને તે મેડિકલમાં અભ્યાસ કરતો હતો. યુવાનના મોતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જો કે ડોક્ટરોને કાડયાક એટેકની આશંકા છે.

૧૯ વર્ષીય કિશન માણેક નામનો યુવાન પોતાના નિત્યક્રમ મુજબ જીમ ગયો. પરંતુ જીમમાં ક્સરત કરવા ગયેલ કિશન ફરી પાછો ઘરે ના ફર્યો. જીમમાં ક્સરત કરતી વખતે જ અચાનક યુવાન નીચે ઢળી પડ્યો. અને ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. કિશનના પિતા પીજીવીસીએલમાં ફરજ બજાવે છે.પીજીવીસીએલમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર હેમંત માણેકના ૧૯ વર્ષીય પુત્ર એમબીબીએસના પ્રથમ વર્ષમા અભ્યાસ કરતો હતો. દરમ્યાન પોતાના નિત્યક્રમ મુજબ જીમમાં ક્સરત કરવા ગયેલ કિશન ક્સરત કરતા જ અચાનક જીમમાં ઢળી પડ્યો હતો. કિશનનું જીમમાં ક્સરત કરતાં મોત નિપજતા પરિવાર વધુ શોકગ્રસ્ત છે. પોતાના ૧૯ વર્ષના જુવાન જોધ પુત્રનું અકાળે અવસાન થતા માતા-પિતા સહિત મિત્રો અને સગાસંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

નોંધનીય છે કે કોરોના બાદ હાર્ટએટેકના કિસ્સા વધ્યા છે. સૌથી વધુ યુવાનો હાર્ટએટેકનો ભોગ બનતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વયા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં ક્સરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે.

ગત વર્ષે પણ તહેવારના માહોલમાં હાર્ટએટેકથી મોતના કિસ્સા બન્યા હતા.અને ખાસ કરીને નવરાત્રિ તહેવાર દરમ્યાન હાર્ટએટેકથી યુવાનોના મોત થયાના આંકડા સૌથી વધુ છે. એવું પણ માનવામાં આવે છે કે યુવાનો જીમમાં વધુ પડતી ક્સરત કરતા હોય અથવા તો નવરાત્રિ જેવા તહેવાર જેમાં વધુ શારીરિક પ્રવૃતિ થતી હોય છે અને દરેકની દિનચર્યા પણ બદલાય છે. જેની અસર તેમના સ્વાસ્થ્ય પર થાય છે. કોરોના બાદ મોત થવાના કિસ્સા વધવા મામલે વેક્સિનેશન પર સવાલો ઉઠી રહ્યા છે. જો કે તબીબોનું માનવું છે કે યુવાનો કોરોના દરમ્યાન વધુ આળસુ બન્યા હતા અને તેના બાદ અચાનક શારીરિક પ્રવૃત્તિ વધારી દેતા તેમના શરીર પર અસર થઈ છે. અને સંભવત આ જ કારણોસર યુવાનોના મોત થઈ રહ્યા હોવાનું અનુમાન છે.