રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૫૫ હજાર કરતા વધુ આવાસો બન્યા, ૧૯૫૨ કરોડની સહાય ચૂકવી

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૫૫,૫૭૫ આવાસો બનાવવામાં આવ્યા હોવાની જાણકારી સરકારે આપી હતી. ગુજરાત વિધાનસભામાં એક સવાલના જવાબમાં શહેરી વિકાસ મંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું હતું કે આથક રીતે નબળા વર્ગોના લોકોને હાઉસિંગ ફોર ઓલ હેઠળ આવાસો આપવાનો સરકારનો નિર્ધાર છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૫૫,૫૭૫ આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે.રાજ્ય સરકારે ૧૯૫૨ કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫ વર્ષમાં સમગ્ર દેશમાં નવા ૩ કરોડ આવાસો બનાવવાનો નિર્ધાર કર્યો છે.

રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અંગેની સ્થિતિ પર જવાબ આપતા તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આથક રીતે નબળા વર્ગોના લોકોને ઘરની સુવિધા મળી રહે એ માટે હાઉસિંગ ફોર ઓલનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે વર્ષમાં ૫૫,૫૭૫ આવાસો પ્રધાનમંત્રી આવાસ શહેરી યોજના હેઠળ પૂર્ણ કરાયા છે. જેમાં રૂપિયા ૧,૯૫૨ કરોડની સહાય રાજ્ય સરકારે ચૂકવી છે.

તેમણે ઉમેર્યું હતું કે આથક રીતે નબળા વર્ગોના લોકોને આવાસ સુવિધા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યરત છે. જેમાં લાભાર્થીઓની વાષક આવક રૂપિયા ૩ લાખથી ઓછી હોવી જોઈએ જેમાં શહેરી વિસ્તારમાં આવાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧.૫૦ લાખ રૂપિયા અને રાજ્ય સરકાર દ્વારા ૨ લાખ રૂપિયા એટલે કે કુલ મળીને ૩.૫૦ લાખ રૂપિયાની સહાય ત્રણ તબક્કામાં ડી.બી.ટીના માધ્યમથી સીધા લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવે છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં ૯.૭૮ લાખ જેટલા આવાસો મંજૂર કર્યા છે તે પૈકી ૮.૬૩ લાખ આવાસો પૂર્ણ થયા છે જેમાં ૬.૧૩ લાખ કરતાં વધુ લાભાર્થીઓને પ્રથમ આવાસ પર લીધેલ લોન પર વ્યાજ સહાયનો લાભ આપ્યો છે. જે માટે ગુજરાત અગ્રેસર રહ્યું છે અને ગુજરાતને આ માટે ૧૪ એવોર્ડ પણ મળ્યા છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં અત્યાર સુધી બી.એલ.સી ઘટક હેઠળ ૧,૫૬,૯૭૮ આવાસો મંજૂર કર્યા છે. તે પૈકી ૧,૨૦,૫૯૪ આવાસો પૂર્ણ થયા છે અને ૩૬,૩૮૪ આવાસો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ માટે કેન્દ્ર સરકારના ૧,૯૩૮ કરોડ રૂપિયા અને રાજ્ય સરકારના ૨,૬૫૬ કરોડ રૂપિયા મળી કુલ ૪,૫૯૫ કરોડ રૂપિયાની સહાય લાભાર્થીઓને પૂરી પાડવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ આવનાર ૫ વર્ષમાં સમગ્ર દેશમાં નવા ૩ કરોડ આવાસો બનાવવાનો નિર્ધાર કર્યો છે જેના ભાગરૂપે ગુજરાતમાં પણ મળવાપાત્ર મહત્તમ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું ૠષિકેશ પટેલ જણાવ્યું હતું.