છોકરીઓએ સેક્સની ઈચ્છાને નિયંત્રણમાં રાખવી જોઈએ’, હાઈકોર્ટના નિર્ણયથી સુપ્રીમ નારાજ

સુપ્રીમ કોર્ટે જજોને ’ઉપદેશ’ આપવાથી દૂર રહેવા સલાહ આપી છે. વાસ્તવમાં મંગળવારે જ કોર્ટે કલકત્તા હાઈકોર્ટના એક નિર્ણયમાં ફેરફાર કર્યો હતો, જેની સુનાવણી દરમિયાન જજે કિશોરીઓને ’સેક્સની ઈચ્છા’ને કાબુમાં રાખવાની સલાહ આપી હતી. સુપ્રીમ કોર્ટે જજોના આ નિવેદનને ધ્યાનમાં લેતાં સલાહ આપી છે કે, જજોએ ચુકાદો આપતી વખતે અંગત મંતવ્યો રજૂ કરવાનું ટાળવું જોઈએ.

આ કેસની સુનાવણી જસ્ટિસ અભય એસ ઓક અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેન્ચે કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, ’જજે કેસ પર ચુકાદો આપવો જોઈએ, ઉપદેશ નહીં. નિર્ણયમાં કોઈ બિનજરૂરી અને અર્થહીન બાબતો ન હોવી જોઈએ. નિર્ણય સરળ ભાષામાં અને ઓછા શબ્દોમાં હોવો જોઈએ..’ કોર્ટે એમ પણ કહ્યું કે આ નિર્ણય ન તો થીસીસ છે કે ન તો સાહિત્ય.

બેન્ચે કહ્યું, ’કોઈ શંકા નથી કે કોર્ટ હંમેશા પક્ષકારોના વર્તન પર ટિપ્પણી કરી શકે છે. જો કે, પક્ષકારોના આચરણ અંગેના તારણો વર્તણૂક પૂરતા મર્યાદિત હોવા જોઈએ, જેની અસર નિર્ણયો પર પડે તેવી શક્યતા છે. જજે પોતાના અંગત મંતવ્યો કોર્ટના નિર્ણયમાં સામેલ ન કરવા જોઈએ.

કોર્ટે કહ્યું, ’દુર્ભાગ્યે આપણા સમાજમાં એવા ઘણા કિસ્સાઓ છે, જ્યાં પોસ્કો એક્ટ હેઠળ ગુનાનો ભોગ બનેલા લોકોને તેમના સગા માતા-પિતા છોડી દે છે. કારણો ગમે તે હોય. આવા કિસ્સાઓમાં, તેમને મકાન, ખોરાક, કપડાં, શૈક્ષણિક તકો વગેરે પ્રદાન કરવાની જવાબદારી રાજ્યની છે. જો આવી પીડિતાઓ બાળકને જન્મ આપે તો પણ તેની કાળજી લેવાનું કામ રાજ્યનું છે.

જાતીય શોષણના કેસમાં ૨૦ વર્ષની જેલની સજા પામેલા એક વ્યક્તિની અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે આ ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટે આ વ્યક્તિને નિર્દોષ છોડી મૂક્યો હતો.કેસ અંગે કોર્ટે કહ્યું, ’તે દુ:ખદ છે કે આ તાજેતરના કેસમાં રાજ્યનું તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. પીડિતાના બચાવમાં કોઈ આવ્યું નહીં. આવી સ્થિતિમાં તેમની પાસે આરોપી સાથે રહેવા સિવાય બચવા માટે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો.

૧૮ ઑક્ટોબર ૨૦૨૩ના આ વિવાદાસ્પદ નિર્ણયમાં, કલકત્તા હાઈકોર્ટે કહ્યું હતું કે કિશોરાવસ્થાની છોકરીઓએ ’તેમની સેક્સ ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવું’ જોઈએ, કારણ કે ’ બે ઘડીના સેક્સ સુખ લેવા પાછળ તેઓ સમાજની નજરમાં ખરાબ ચીતરાય જાય છે.