હરિયાણામાં વિધાનસભા ચૂંટણીનું એલાન થઈ ગયું છે. રાજ્યમાં ૧ ઓક્ટોબરના રોજ ૯૦ વિધાનસભા બેઠકો પર મતદાન થશે અને મતગણતરી ૪ ઓક્ટોબરના રોજ થશે. આ વચ્ચે કોંગ્રેસ અને ભાજપે રાજ્યમાં પ્રચાર અને ચૂંટણી વ્યૂહનીતિ બનાવવા અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બંને જ પાર્ટીઓમાં ટિકિટ વહેંચણી અંગે પણ મંથન ચાલી રહ્યું છે.
આ વચ્ચે હવે રાજ્યમાં આરએસએસ-ભાજપ વચ્ચે માથાકૂટ ચાલી રહી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણી મુદ્દે ભાજપ અને આરએસએસ ફરી એક વખત આમને-સામને આવી ગયા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સંઘ ઈચ્છે છે કે, ગ્રાઉન્ડ સર્વેના આધારે ૪૦% નવા ચહેરાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે. આરએસએસે રાજ્યની તમામ ૯૦ વિધાનસભા બેઠકો અંગે એક સર્વે કરાવ્યો હતો. આ સર્વેમાં ઘણા વિસ્તારમાં ભાજપના ધારાસભ્યો સામે જનતામાં ભારે અસંતોષ છે. આવી સ્થિતિમાં સંઘ ઈચ્છે છે કે, ૪૦% નવા ચહેરાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ભાજપે સંઘનો રિપોર્ટ નકારી કાઢ્યો છે. ભાજપ નેતૃત્વ ઈચ્છે છે કે, જૂના નેતાઓ પર જ વિશ્ર્વાસ વ્યક્ત કરવામાં આવે. ભાજપે દરેક બેઠક માટે દાવેદારોની લિસ્ટ તૈયાર કરી છે. ગુરુગ્રામમાં રાજ્ય ચૂંટણી સમિતિની બેઠકમાં આ લિસ્ટ પર ચર્ચા કરવામાં આવશે. ગુરુગ્રામમાં આવતીકાલે યોજાનારી બેઠકમાં એક બેઠક માટે ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવશે અને આખી લિસ્ટ કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ મૂકવામાં આવશે. આવી સ્થિતિમાં પાર્ટી ૨૩ ઓગસ્ટે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજીને પ્રથમ યાદી પર મહોર લગાવે તેવી શક્યતા છે.
ભાજપ હાઈકમાન્ડ આ વખતે ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારવા માગે છે પરંતુ દિગ્ગજ નેતાઓ પોતાના પરિવારના લોકોને ચૂંટણી મેદાનમાં ઉતારવા માગે છે. ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હરિયાણામાં ટિકિટોને ફાઈનલ ટચ આપવામાં અમિત શાહ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જેમને હરિયાણામાં ત્રીજી વખત સરકાર બનાવવી જવાબદારી સોંપવામાં આવી છે.