જાંબુઘોડાના ડુમા રેશનિંગ દુકાનદારની પીબીએમ એકટ હેઠળ અટકાયત કરી પોરબંદર જેલમાં મોકલાયો

પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગની તપાસમાં જાંબુઘોડાના ડુમા ગામની સસ્તા અનાજની દુકાનના દુકાનદારે સરકારી અનાજના 68 કટ્ટા બારોબાર બોડેલી વેચી દીધા હોવાનુ બહાર આવતા જિલ્લા કલેકટરના હુકમથી ડુમાના પરવાનેદારની પીબીએમ હેઠળ અટકાયત કરીને પોરબંદરની મઘ્યસ્જ જેલમાં મોકલી આપ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી 14 સામે પીબીએમ હેઠળ કાર્યવાહી કરાઈ છે.

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર એચ.ટી.મકવાણા તથા તેમની ટીમ દ્વારા જાંબુઘોડાના ડુમા ગામે આવેલી સરકારી અનાજની દુકાનમાં આકસ્મિક તપાસ કરી હતી. તપાસમાં ધઉંના 30 કટ્ટા, ચોખાના 30 કટ્ટા, તથા ખાંડના 8 કટ્ટા મળીને કુલ 99 હજારનો સરકારી અનાજનો જથ્થો ગરીબ લાભાર્થીઓને નહિ આપીને બારોબાર કાળાબજારી કરવા બોડેલી ખાતે વેચી દીધા હોવાનુ સામે આવ્યુ હતુ. રેશનકાર્ડ ધારકોના હિતમાં અને કાળા બજારની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરને આવશ્યક ચીજવસ્તુઓના કાળા બજાર થતાં અટકાવવા પીબીએમ હેઠળ કાર્યવાહી કરવા અંગેની દરખાસ્ત કરાતા કલેકટો દરખાસ્ત ગ્રાહ્ય રાખતા ડુમા ગામની સરકારી અનાજની દુકાનનો પરવાનેદાર વિક્રમભાઈ એન.બારીયાની પીબીએમ હેઠળ પોલીસે અટકાયત કરીને પોરબંદર જિલ્લાની મઘ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો. ડુમાની સસ્તા અનાજનો દુકાનદાર સામે પીબીએમ હેઠળ કાર્યવાહી થતાં જિલ્લામાં અત્યાર સુધી 14 સામે પીબીએમ હેઠળ કાર્યવાહી કરાઈ છે.